- મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો,
- વન વિભાગની ટીમે મગરને પાંજરે પુરવા ભારે જહેમત ઉઠાવી,
- મગરના ગળામાં ગાળિયો નાખતા જ બેકાબુ બન્યો હતો,
વડોદરાઃ શહેર અને જિલ્લામાં નદી-તળાવોમાં મગરોની વસતી વધતી જાય છે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ છે. મગરો ક્યારે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે શહેર નજીકના વરણામા ગામમાં 10 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકો ચોકી ઉઠ્યા હતા. આ મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે આ અંગેની જાણ વનવિભાગને કરતા તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ 10 ફૂટના મહાકાય મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
વડોદરા પાસે આવેલા વરણામા ગામમાં મહાકાય 10 ફૂટનો મગર આવી જતા લોકોએ વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમના નીતિન પટેલ, લાલુ નિઝામા, સંજય રાજપૂત અને સુભાષ સહિતની ટીમે તાત્કાલિક પહોંચી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. આ કામગીરી દરમિયાન મહાકાય મગરના ગળામાં ગાળિયો નાખતા તે બેકાબુ બન્યો હતો અને પાંજરે પૂરે તે પહેલા ફૂંફાડા મારતા લોકો ફફડ્યા હતા. મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ એક હજાર કરતાં વધુ મગરોનો વસવાટ છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.


