
- લગ્નસરાની સીઝનમાં પણ સોનાના આભૂષણોની ઘરાકી ન નીકળી
- જવેલર્સ દ્વારા મેઈકિંગ ચાર્જમાં ઘટાડાની ઓફર છતાં આભૂષણોની ખરીદીમાં થયો ઘટાડો,
- 22 કેરેટ સોનાનો ભાવ છેલ્લા એક જ સપ્તાહમાં 2200 રૂપિયાના વધારો
રાજકોટઃ ગુજરાતમાં હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં અસામાન્ય વધારો થતાં સોનાના દાગીનાની ખરીદી ઘટી ગઈ છે. સોની બજારમાં મંદીનો માહોલ છવાયો છે. જ્વેલર્સ દ્વારા સોનાના દાગીનાની ઘડામણમાં આકર્ષક ઓફર કરવામાં આવતી હોવા છતાંયે ઘરાકી જોવા મળતી નથી. વેપારીઓનું માનવું છે કે, સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ છે. સતત ભાવ વધતા હાલમાં બજારની અંદર માત્ર 30% બિઝનેસ થઇ રહ્યો છે. ઓલમોસ્ટ 70% મંદીનો માહોલ દેખાય રહ્યો છે.
ભારતીય બજારમાં સોનાના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. સોનાનો ભાવ ઓલટાઇમ હાઇ છે અને એમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા એક મહિનાની અંદર સોનાના ભાવમાં 8000થી વધુ અને છેલ્લા એક સપ્તાહમાં 2200થી વધુના વધારા સાથે સોનાનો ભાવ રૂપિયા 87,000ને પાર પહોંચી ગયો છે. વેપારીઓ તો એમ પણ કહી રહ્યા છે કે, હવે એ દિવસ દુર નથી કે સોનાનો ભાવ છ આંકડા એટલે કે, 1 લાખની સપાટીએ પહોંચશે.
સોનામાં આગ ઝરતી તેજીને લીધે રાજકોટની સોની બજારમાં લગ્નસરાની સીઝન સમયે પણ વ્યાપક મંદી જોવા મળી રહી છે. ઓલ ટાઈમ હાઇ ભાવમાં રાજકોટની સોની બજારમાં ખરીદી માત્ર 30% જ જોવા મળી રહી છે. એટલે કે, 70% મંદીનો માર વેપારીઓ વેઠી રહ્યા છે. 1951માં રૂ.98માં મળતું સોનુ આજે 2025માં 87,000ને પાર પહોંચ્યું છે. ગુજરાતમાં ખાસ લગ્ન પ્રસંગ સહિત સામાજિક પ્રસંગોમાં આભૂષણ આપવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે. માટે અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સોનાનું માર્કેટ ખુબ જ મોટું છે. હાલમાં લગ્ન સરાની સીઝન ચાલી રહી છે, તેમ છતાં રાજકોટની સોની બજારમાં ઘરાકી જોવા મળી રહી નથી.
રાજકોટમાં જ્વેલર્સ કહી રહ્યા છે કે, સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઇ છે. સતત ભાવ વધતા હાલમાં બજારની અંદર માત્ર 30% બિઝનેસ થઇ રહ્યો છે. ઓલમોસ્ટ 70% મંદીનો માહોલ દેખાય રહ્યો છે. ગ્રાહકો પણ જરૂરિયાત મુજબ ખરીદી કરી રહ્યા છે. એટલે કે, તેમનું બજેટ ફિક્સ છે. પ્રસંગોમાં દેવા લેવા માટે જરૂરી બનતું સોનું જ હાલ લોકો ખરીદી રહ્યાં છે.