
- રાતે ઠંડી અને બપોરે ગરમી બે ઋતુ અનુભવાશે
- આગામી એક સપ્તાહ વાતાવરણ સુકુ રહેશે
- 15મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધારો થવાની શક્યતા
અમદાવાદ: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. રાતે ઠંડી, વહેલી સવારે ઠંડા પવનો અને બપોર થતાં જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ તાપમાન પણ યથાવત રહેશે. મહત્તમ તાપમાન 30 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. અને 15મી ફેબ્રુઆરી બાદ તામપાનમાં વધારો થવાની શક્યતા છે. એવો હવામાન વિભાગનો વર્તારો જણાવી રહ્યો છે.
ગુજરાતમાં ઉત્તરપૂર્વના પવન ફૂંકાતા મહત્તમ તાપમાન 33 ડિગ્રી આસપાસ પહોંચ્યું છે. જે સામાન્ય કરતા 3 ડિગ્રી ઊંચું નોંધાઈ રહ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં 1થી 2 ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે અને લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર જોવા નહિ મળે. પવનની દિશા ઉતર પૂર્વથી પૂર્વ તરફની છે. અને આકાશ સ્વચ્છ રહેશે.
હવામાનના આગાહીકાર અંબાલાલ પટેલેના કહેવા મુજબ સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. 50 કિલોમીટર ઉપરના પવનો દરિયામાં ફૂંકાવાની શક્યતા રહેતા દરિયા કિનારે પવન ફૂંકાશે. આ ઉપરાંત ફેબ્રુઆરી મહિના અંત સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી થઈ જવાની શક્યતા છે. 15 ફેબ્રુઆરીથી ગરમી વધારો થશે. અને 17થી 19 ફેબ્રુઆરીના પવનનું જોર વધશે. આંધી-વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ ઉડશે. હજુ પણ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે.
અંબાલાલ પટેલે કહ્યું કે, હાલ એક-બે દિવસ સવારે સવારે ઠંડા પવન ફુંકાશે, 9 થી 11 ફેબ્રુઆરીમાં ફરી હવામાન પલટાય તેવી શક્યતા છે. 11 અને 12 ફરી ઉત્તર ભારતમાં હિમવર્ષા રહેતા સવારે ઠંડી રહેશે. તો 15 ફેબ્રુઆરીથી ગરમીમાં થોડા વધારો થશે. 19 ફેબ્રુઆરીથી 14 એપ્રિલ સુધી રોગીસ્ટ હવામાન રહેશે, જેથી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે.
રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 29.3 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 16.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. વડોદરામા મહત્તમ 30.8 અને લઘુત્તમ 15.6 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં મહત્તમ 29 અને લઘુત્તમ 14.8 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટ મહત્તમ 32.1 અને લઘુત્તમ 13.4 ડિગ્રી સેલ્સિયસ તેમજ સુરતમાં મહત્તમ 33.9 અને લઘુત્તમ 17.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.