
- ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવતી ટ્રેનો 7 કલાક મોડી પડી
- ટ્રાફિકની સ્થિતિ નિવારવા વાયા પ્રયાગરાજ થઈ નજીકના 7 સ્ટેશનો પર લઈ જવામાં આવે છે
- પ્રયાગરાજ રૂટ પર દર 5 મીનિટે એક ટ્રેન પસાર થાય છે
અમદાવાદઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભમાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. ગુજરાત સહિત દરેક રાજ્યોમાંથી પ્રયાગરાજ જવા માટે ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. ત્યારે પ્રયાગરાજ રેલ રૂટ પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રયાગરાજમાં ટ્રેન પાર્ક માટેની જગ્યા ન હોવાથી નજીકના સાત સ્ટેશનો પર ટ્રેનો લઈ જવામાં આવે છે. પ્રયાગરાજ રૂટ પર દર ત્રણથી પાંચ મીનિટે એક ટ્રેન પસાર થઈ રહી છે. ભરચક ટ્રાફિકને કારણે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવતી ટ્રેનો 7 કલાક મોડી પડી રહી છે.
પશ્વિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રયાગરાજના મહાકુંભ મેળામાં જવા માટે દેશભરમાંથી વધારાની ટ્રેનો દોડાવવામાં આવી રહી છે, જેને કારણે ઉત્તરપ્રદેશમાં રેલવે ટ્રેક પર જામ થતાં અમદાવાદ આવતી ટ્રેનો સાત કલાક સુધી મોડી દોડી રહી છે. આવી પરિસ્થિતિમાં આ રૂટ પર દર 3થી 5 મિનિટે એક ટ્રેન પસાર થઈ રહી છે, જેના પગલે આ રૂટ પર દોડતી અનેક ટ્રેનો પાંચથી સાત કલાક સુધી મોડી પડી રહી છે. આ ટ્રેનો મોડી આવતા જે તે સ્ટેશન પર મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ થયા બાદ 1થી 3 કલાક જેટલી મોડી ઊપડી રહી છે. શનિવારે પણ અમદાવાદ તરફ આવતી ટ્રેનો 2થી 7 કલાક મોડી પડી હતી. મહાકુંભમાં શ્રદ્ધાળુઓને પહોંચાડવા માટે શરૂ કરાયેલી સ્પેશિયલ ટ્રેનો પ્રયાગરાજ સહિત આસપાસના સાત સ્ટેશન પરથી પસાર કરી આગળના અન્ય સ્ટેશનો પર લઈ જવામાં આવી રહી છે. જેથી પ્રયાગરાજ ખાતે જ તમામ ટ્રેનોનો જમાવડો ન થાય. આ તમામ ટ્રેનો આગળના સ્ટેશનો પર જઈ ત્યાંથી જ વાયા પ્રયાગરાજ થઈ પરત ફરી રહી છે. ગઈકાલે શનિવારે અમદાવાદ આવતી ટ્રેનો મોડી પડી હતી. જેમાં ગોરખપુર – અમદાવાદ એક્સપ્રેસ 7 કલાક, વારાણસી-અમદાવાદ એક્સપ્રેસ 5 કલાક, પટના-અમદાવાદ અઝીમાબાદ એક્સપ્રેસ 2 કલાક અને બરૌની-અમદાવાદ એક્સપ્રેસ 1.30 કલાક મોડી પડી હતી.