ભીક્ષુક મહિલા નીકળી લાખપતિ, 12 વર્ષથી ભીક્ષાવૃતિ કરતી મહિલા પાસેથી મળી લાખોની રોકડ
લખનૌઃ ઉત્તરાખંડના રૂડકી શહેરમાંથી એક એવું ઘટના પ્રકાશમાં આવી છે કે જેના વિશે જાણીને લોકો આશ્ચર્યમાં પડી ગયા છે. અહીં છેલ્લા 12 વર્ષથી રસ્તાઓ પર ભીક્ષાવૃતિ કરતી મહિલા પાસેથી લાખો રૂપિયાની રોકડ મળી આવી હતી. આ ઘટના મંગલોર કોથવાલી વિસ્તારમાં આવેલા મોહલ્લા પઠાણપુરાની છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ સ્ત્રી છેલ્લા ઘણા વર્ષોથી એક ઘરના બહાર બેસીને ભીખ માંગતી હતી.
શુક્રવાર સાંજે કેટલાક લોકોએ જ્યારે સ્ત્રીને ત્યાંથી હટાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે તેમણે જોયું કે તેની પાસે બે મોટા કટ્ટા (થેલાં) પડેલા હતા, જે ખૂબ જ ભારે લાગતા હતા. જ્યારે આ કટ્ટા ખોલવામાં આવ્યા ત્યારે હજારો સિક્કા અને દસ-વીસ રૂપિયાની નોટોની ગડ્ડીઓ જોવા મળી હતી. સ્થાનિક રહેવાસી ઇકરામ અહમદે જણાવ્યું કે, પૈસાની ગણતરી શરૂ કર્યા પછી આખો દિવસ લાગી ગયો. અત્યાર સુધીમાં લગભગ એક લાખ રૂપિયાની ગણતરી થઈ ગઈ છે, પરંતુ હજુ ઘણાં સિક્કા અને નોટો બાકી છે.
આ ઘટના જાણ થતાં જ આખા મોહલ્લામાં હંગામો મચી ગયો અને મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. લોકો વિશ્વાસ નથી કરી શક્યા કે જે સ્ત્રીને તેઓ રોજ ભીખ આપતા હતા, તેના પાસે લાખો રૂપિયાનું ધન એકઠું થયું હતું. સ્થાનિક પોલીસને માહિતી મળતાં જ તેઓ સ્થળ પર પહોંચી ગયા અને બંને કટ્ટાઓમાં રહેલા પૈસા જપ્ત કરીને સીલ કર્યાં હતા.પોલીસે જણાવ્યું કે સ્ત્રીને તાત્કાલિક ઉપચાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને મળી આવેલી રકમને સુરક્ષિત રીતે રાખવામાં આવી છે.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ સ્ત્રી માનસિક રીતે અસ્વસ્થ જણાય છે અને તેનું સારવાર ચાલી રહ્યું છે. હાલમાં તપાસ ચાલી રહી છે કે આટલા પૈસા તેના પાસે કેવી રીતે આવ્યા, શું કોઈએ તેની પાસે પૈસા રાખ્યા હતા કે પછી તેણે વર્ષોથી ભીખ માગીને આ રકમ એકઠી કરી હતી. પ્રશાસનના જણાવ્યા મુજબ, ગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આખી રકમને સીલ કરીને સુરક્ષિત રાખવામાં આવી છે.


