- વડોદરાનો પરિવાર કારમાં મધ્યપ્રદેશ લગ્નમાં જઈ રહ્યો હતો,
- કારમાં સવાર પાંચેય વ્યક્તિ ઉછળીને બહાર ખેતરમાં પડ્યા,
- ગંભીર ઈજાગ્રસ્ત પાંચેય પ્રવાસીઓને ગોધરા સિવિલથી વડોદરા રિફર કરાયા
ગોધરાઃ પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક દાહોદ હાઈવે પર આવેલા ભથવાડા ટોલનાકા પાસે આજે વહેલી સવારે પૂરફાટ ઝડપે જતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રેંલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ હતી. અને કારમાં સવાર 5 લોકો ફંગોળાઈને બહાર ખેતરમાં પટકાયા હતા. આ અકસ્માતમે પગલે અન્ય વાહનચાલકો સહિત લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા તમામને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ છે કે, વડોદરાનો પરિવાર કારમાં સવાર થઈને મધ્યપ્રદેશ ખાતે લગ્નપ્રસંગમાં જઈ રહ્યો હતો. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના આજવા રોડ પર આવેલી A/12 ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવાર આજે વહેલી સવારે પોતાની કાર દ્વારા વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. જ્યારે તેમની કાર ગોધરા નજીક સંતરોડ પાસે ભથવાડા ટોલનાકા આગળથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં કાર બેકાબૂ બની હતી. બેકાબૂ કાર હાઈવેની સાઈડમાં આવેલી રેલિંગ કૂદીને બાજુમાં ફંગોળાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર સાઈડમાં કૂદીને પડતાં જ કારમાં સવાર નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહ, એમ એક જ પરિવારના પાંચેય લોકો કારમાંથી ઉછળીને રોડની બહાર પડ્યા હતા. ગંભીર ઇજાઓને કારણે તેઓ દર્દથી તડપતા હતા, જે જોઈને આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પાંચેય ઇજાગ્રસ્તને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે તપાસ કરતાં પાંચેય ઇજાગ્રસ્તને શરીરના ભાગે ગંભીર પ્રકારના ફેક્ચર હોવાનું જણાયું હતું. ઇજાઓ એટલી ગંભીર હતી કે, પીડાને કારણે ઇજાગ્રસ્તો જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા અને એમ્બ્યુલન્સમાં બેસી શકે તેવી સ્થિતિમાં પણ નહોતા. આથી, પ્રાથમિક સારવાર બાદ ડોક્ટરે તમામને તાત્કાલિક વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે રિફર કર્યા હતા.


