1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સોની વેપારીઓને નકલી સોનું પઘરાવતું ઠગ દંપત્તી વડોદરાથી પકડાયું
સોની વેપારીઓને નકલી સોનું પઘરાવતું ઠગ દંપત્તી વડોદરાથી પકડાયું

સોની વેપારીઓને નકલી સોનું પઘરાવતું ઠગ દંપત્તી વડોદરાથી પકડાયું

0
Social Share

વડોદરા, 21 જાન્યુઆરી 2026:  નકલી સોનાના દાગીના પર સોનાનો ઢોળ ચડાવીને અસલી સોનું કહીને સોની વેપારીઓને દાગીના વેચીને છેતરપિંડી કરતું બંગાળી દંપત્તીને જુનાગઢ પોલીસે વડોદરાથી ઝડપી લીધુ હતું.  આરોપી દંપતી સામે 15 રાજ્યોના 56 શહેરોમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે આ આખું કૌભાંડ બિહારના પટનામાં બેઠેલા રવિ સોની અને બનારસના એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતું હતું. આરોપીઓ નકલી સોનાના દાગીના પર અસલી સોનાનો એવો ઢોળ ચડાવતા હતા કે, સોની વેપારીઓ પણ છેતરાઈ જતા હતા.

આ બનાવની વિગત એવી છે કે, કેશોદના સોની બજારમાં આવેલી ‘પાલા પ્રિયમ જ્વેલર્સ‘માં ગઈ તા. 10 તારીખે સાંજે 6 વાગ્યે એક કપલ આવ્યું હતું. દેખાવમાં બંગાળી લાગતા આ દંપતીએ દાગીના પસંદ કરી પોતાની પાસે રહેલો એક હાર વેપારીને આપી વિશ્વાસમાં લીધા હતા કે, “આ હાર તમે અત્યારે રાખો, પણ તેને ભાંગતા નહીં, અમે 2 દિવસમાં બાકીના પૈસા ટ્રાન્સફર કરી અમારો હાર લઈ જઈશું.  કપલે ચાલાકીપૂર્વક વેપારી પાસેથી ₹2,62,000ની કિંમતના બે સોનાના ચેઈન અને ઉપરથી ₹22,000 રોકડા મેળવી લીધા હતા. કુલ ₹2,85,000નો ચૂનો લગાડી તેઓ પલાયન થઈ ગયા હતા. સોની વેપારીને શંકા જતા તેમણે હારની તપાસ કરી તો તે નકલી માલૂમ પડ્યો હતો. આરોપીઓએ આપેલા મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવતા વેપારીએ તુરંત પોલીસનો સંપર્ક કર્યો હતો.  સીસીટીવી ફૂટેજમાં આ કપલ કેદ થઈ ગયું હતું, જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

​જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. તેઓ 30 ગ્રામનો એવો હાર બનાવતા હતા જેમાં 20 ગ્રામ પંચધાતુ હોય અને તેના પર પોટાશ કેમિકલનો ઉપયોગ કરી 10 ગ્રામ સોનાનું વરખ ચડાવવામાં આવતું હતું. આ રીતે તેઓ વેપારીઓને છેતરીને તેમની પાસેથી શુદ્ધ સોનાના દાગીના પડાવી લેતા હતા.

 સોની ​વેપારીઓની વ્યાપક રજૂઆતો બાદ આ કેસની તપાસ જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. પી.આઈ. કુનાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને આરોપીઓનું પગેરું દબાવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે, આ કપલ વડોદરા આસપાસ છે, જેના આધારે ટીમે તાત્કાલિક ત્યાં પહોંચી દંપતીને ઝડપી પાડ્યું હતું. આ ઓપરેશન દ્વારા ગુજરાતમાં સક્રિય એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code