સુરતમાં ઘર પાસે રમી રહેલા બાળક પર 5 કૂતરાએ હુમલો કરતા બાળકને હોસ્પિટલ ખસેડાયો
સુરત, 6 ફેબ્રુઆરી 2026: સુરત શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતા જાય છે. શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા નજીક પોતાના ઘર પાસે રમી રહેલા 4 વર્ષના બાળક પર ચારથી પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો.અને શરીરના જુદા જુદા અંગોમાં બચકા ભર્યા હતા. બુમાબુમ થતાં પરિવારના સભ્યો અને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.શ્વાનોના હુમલામાં ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થયેલા બાળકને વધું સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકને 13 જેટલાં ટાંકા લેવા પડ્યા છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરત શહેરના લસકાણા વિસ્તારમાં વાલક પાટિયા ખાતે આવેલા કરૂણેશ હોમ ગ્રીન વેલી ખાતે વોચમેન તરીકે નોકરી કરતા અને ત્યા જ રહેતા હિમલ બાયકનો પુત્ર ગણેશ (ઉ.વ.4 ) સવારે ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે ધસી આવેલા 4થી 5 જેટલા શ્વાનો તેની ઉપર પર તૂટી પડ્યા હતા અને હુમલો કરી તેના શરીરે બચકા ભરવાંનું ચાલુ કર્યા હતા. બાળક રડવા લાગતા અને બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.શ્વાનોના ઝુંડ વચ્ચે બાળક કણસી રહ્યો હતો, શ્વાનોએ બાળકના માથા અને શરીર ઉપર ઠેર ઠેર બચકાના ઘા જોઈ લોકો ચોકી ગયા હતા, તેને ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકના ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. અને ત્યાંથી વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બાળકને 13 જેટલાં ટાકા લેવા પડ્યા છે.
સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. અગાઉ પણ બાળકો પર કૂતરા દ્વારા હુમલાના બનાવો બનેલા છે. અગાઉ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડોગ ફીડિંગ સ્પોટ બનાવવા સહિતની જુદી જુદી કામગીરીમાં કરવામાં આવી હતી, જોકે બાદમાં અસરકારક કામગીરી ઠપ થઈ ગઈ હતી. મહત્વનું છે કે, સુરત શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં જ 3261 લોકોને કૂતરા કરડવાના કેસ નોંધાયા છે. છતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવતી નથી.


