
બાલાસિનોરમાં શાળા છૂટ્યા બાદ ધો. 8ના વિદ્યાર્થીએ તેના ક્લાસમેટને ચપ્પુના ઘા માર્યા,
- ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી,
- વિદ્યાર્થીને ખભા પર અને પેટના ભાગે ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો,
- પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં હિંસક મનોવૃતિ વધતી હોય સમાજ માટે ચિંતાનો વિષય છે, અમદાવાદમાં ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું તેના સાથી વિદ્યાર્થીએ તિક્ષ્ણ હથિયારથી હત્યા કરવાનો બનાવ બન્યા બાદ બાલાસિનોર અને ભુજમાં પણ વિદ્યાર્થી પર જીવલેણ હુમલાના બનાવ બન્યા છે. બાલાસિનોરમાં સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીએ નજીવી બાબતે તેના સાથી વિદ્યાર્થી પર હુમલો કર્યાનો બનાવ બન્યો છે. એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા મારી દેતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
આ બનાવની વિગતો એવી છે કે, બાલાસિનોરના તળાવ પાસે આવેલી સરકારી શાળામાં સાંજે 5 વાગ્યે બાળકો છૂટ્યા હતા અને ઘરે જઇ રહ્યા હતા. આ દરમિયાન ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓ વચ્ચે નજીવી બાબતે બોલાચાલી થઇ હતી. જેમાંથી એક વિદ્યાર્થીએ તેના ક્લાસમેટને નાના ચપ્પુથી હુમલો કરી ઘા ઝીંકી દીધા હતા. તેથી ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. આ બંને સગીર વિદ્યાર્થીઓ એક જ કોમના છે. બાલાસિનોર પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે.
આ બનાવનો સોશિયલ મિડિયામાં વિડિયો પણ વાયરલ થયો છે. પીડિત વિદ્યાર્થી કહી રહ્યો છે કે, તેને મને થપ્પડ મારી એટલે હું તેને સામે થપ્પડ મારવા જઇ રહ્યો હતો. આ દરમિયાન તેણે મને સ્કૂલના ગેટ પાસે જ પકડી રાખ્યો અને ચપ્પુના ઘા મારી દીધા. આ દરમિયાન સ્કૂલના શિક્ષકો પણ તેમનું વાહન શરુ કરી બહાર નિકળી રહ્યા હતા અને વિદ્યાર્થીઓ પણ આસપાસ હતા. આ બનાવમાં વિદ્યાર્થીના ખભા પર એક જગ્યાએ અને પેટના ભાગે બે જગ્યાએ ઇજાઓ થઇ હતી. આ સમગ્ર મામલે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી બાલાસિનોર ટાઉન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
હુમલાનો ભોગ બનેલા બાળકના વાલીના નિવેદનને આધારે બાલાસિનોર પોલીસે કિશોર સામે BNSની કલમ 115(1), 118(1) (2), 352 તથા GP Act કલમ 135 મુજબ ફરિયાદ નોંધી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, ફરિયાદીના બાળક સાથે સામે વાળો વિદ્યાર્થી મસ્તી કરવા આવતા ફરિયાદીના બાળકે મસ્તી કરવાની ના પાડી હતી. જેથી સામે વાળો વિદ્યાર્થી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલવા લાગ્યો હતો. ગાળો બોલવાની ફરિયાદીના બાળકે ના પાડતા સામે વાળા વિદ્યાર્થીએ ફરિયાદીના બાળકના બરડાના ભાગે માર માર્યો હતો જેથી તે સામે મારવા જતા સામે વાળા વિદ્યાર્થીએ અચાનક તેના થેલામાંથી ચપ્પુ કાઢી ફરિયાદીના બાળકને ડાબી બાજુના ખભા, બગલ, પેટ અને પેઢાના ભાગે ચપ્પાના ઘા મારી ઇજાઓ પહોંચાડી નાસી ગયો હતો. સમગ્ર મામલે બાલાસિનોર પોલીસે વાલીની ફરિયાદ આધારે ગુન્હો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.