
- નિર્મણાધિન બુલેટ રેલવે સ્ટેશનમાં વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી
- ફાયરની 14 ગાડીઓ સાથે ફાયર ફાયટરોએ બે કલાકે આગ કાબુમાં લીધી
- ભારે પવનને લીધે આગ વધુ ફેલાઈ
અમદાવાદઃ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી નિર્માણાધિન બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશનના કન્સ્ટ્રકશનના કામ દરમિયાન વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી હતી, અને જોતજોતામાં આગએ વિકરાળરૂપ ધારણ કર્યું હતું. જેને પગલે મજૂરોમાં દોડધામ મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને બે કલાકની જેહમત બાદ આગ કાબૂમાં લેવામાં આવી હતી.
ફાયર બ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલી નિર્માણાધિન બુલેટ ટ્રેનના રેલવે સ્ટેશનના કન્સ્ટ્રકશનના કામ દરમિયાન વેલ્ડિંગનો તણખો ઉડતા આગ લાગી હતી. પવન ફૂંકાવવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. અને બાજુમાં પડેલા લાકડાના જથ્થામાં આગ પ્રસરી હતી. . કન્સ્ટ્રક્શન સાઈટ પર ધાબાનું સેન્ટિંગ ભરાવવાનું કામ ચાલતું હતું. લાકડાની સીટ મૂકી ટેકા રાખી અને બાંધકામ ચાલી રહ્યું હતું, તે દરમિયાનમાં વેલ્ડીંગનો તણખો ઉડતા આગ લાગી હતી. બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રકશન સાઈટ પર આગ લાગતા પ્રોજેક્ટના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીના જણાવ્યા મુજબ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનના કન્સ્ટ્રક્શન સાઈટના એક ભાગની છત પર આજે સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગવાની ઘટના સામે આવી છે. કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે કામચલાઉ શટરિંગના કામને કારણે વેલ્ડિંગમાંથી નીકળેલી સ્પાર્કને કારણે આગ લાગી હશે. ફાયર વિભાગે સક્રિયપણે આગને કાબૂમાં લીધી છે અને પરિસ્થિતિ હવે કાબૂમાં છે. NHSRCLના અધિકારીઓ સ્થળ પર હાજર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.