
દિલ્હી રહેતી યુવતી બોયફ્રેન્ડને મળવા સુરત આવી, લગ્નની ના કહેતા હાઈટેન્શન લાઈન પર ચડી
- પ્રેમી સાથે હોટલમાં રોકાઈ અને પ્રેમીએ લગ્નની ના કહેતા થયો ઝઘડો
- હોટલમાં યુવતી જમી રહી હતી ત્યારે તેનો સામાન-રૂપિયા લઈને પ્રેમી નાસી ગયો
- યુવતી આપઘાત કરવા વીજળીના હાઈટેન્શન પોલ પર ચડી ગઈ
સુરતઃ પ્રેમને કોઈ સીમાડા નડતા નથી પણ પ્રેમ સાચો હોવા જોઈએ, ઓડિસાની દિલ્હીમાં રહેતી એક યુવતીને સુરતના યુવક સાથે પ્રમે થયો હતો, અને ત્યારબાદ યુવક યુવતીનો બોયફ્રેન્ડ બની ગયો હતો. દિલ્હીથી યુવતી પોતાના પ્રેમીને મળવા માટે સુરત આવી હતી, અને બન્ને પેમી પંખિડા એક હોટલમાં રોકાયા હતા. દરમિયાન યુવતીએ લગ્ન કરવાનું કહેતા પ્રેમી યુવકે ઘસીને ના પાડી દીધી હતી,આથી બન્ને વચ્ચે થોડો ઝઘડો પણ થયો હતો, હોટલમાં યુવતી જમતી હતી ત્યારે પ્રેમી યુવક તેના સામાન અને રૂપિયા લઈને નાસી ગયો હતો. આથી નાસીપાસ થયેલી યુવતી આપઘાત કરવા માટે તાપી નદીના કિનારે જઈ વીજળીના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગઈ હતી. આ અંગેની જાણ થતાં ફાયરના અધિકારીઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મહામહેનતે યુવતીને વીજળીના પોલ પરથી ઉતારી હતી.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, શહેરના મોરાભાગળ વિસ્તારમાં યુવતીને તેના પ્રેમીએ લગ્ન કરવાની ના પાડતા યુવતી આપઘાત કરવા હાઇટેન્શન ટાવર ઉપર ચઢી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે સ્થળે પહોંચી યુવતીનું મહામુસીબતે રેસ્ક્યૂ કરી નીચે ઉતારી હતી. ઉલ્લેખનીય છે કે, યુવતી મુળ ઓડિશાની રહેવાસી છે અને દિલ્હી તે કામ કરે છે અને ત્યાંથી તે પોતાના પ્રેમીને મળવા સુરત આવી હતી. અહીં હોટલમાં રોકાણ બાદ બોયફ્રેન્ડે અને ગર્લફ્રેન્ડ વચ્ચે લગ્નની વાતને લઈને ઝઘડો થયો હતો અને યુવકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની મળતી માહિતી મુજબ, દિલ્હીથી યુવતી સિંગણપર વિસ્તારમાં રહેતા તેના પ્રેમીને મળવા માટે આવી હતી. ગઈકાલ રાતે તેઓ બન્ને હોટલમાં રોકાયા હતા. સવારે યુવતી અને તેનો પ્રેમી હોટલમાં જમવા માટે ગયા હતા, તે દરમિયાન તેમના વચ્ચે લગ્નની બાબતને લઈને માથાકૂટ થઈ હતી. યુવતી હોટલમાં જમી રહી હતી, ત્યારે તેનો સામાન અને રૂપિયા લઈને તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. યુવતીએ સુસાઇડ કરવાનો વિચાર કર્યો હતો અને તાપી નદી કિનારે કોઝવે પાસે જઈને હાઈટેન્શન ટાવર ઉપર ચઢી ગઈ હતી.
આ બનાવની જાણ થતા ફાયર અધિકારી સહિત કાફલો દોડી ગયો હતો. આ અંગે સ્ટેશન ઓફિસર ધર્મેશ પટેલે જણાવ્યું કે, યુવતી હાઈટેન્શન લાઈન પર ચડી હોવાનો કોલ મળતાની સાથે જ અમે ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયા હતાં. યુવતી ટાવરના ચોથા પીલર ઉપર હતી. અમે તેને ઘણી સમજાવી હતી અને ત્યારબાદ ધીરે ધીરે તેને વાતમાં રાખીને ફાયરના જવાનો સાથે ઉપર ચડીને તેને નીચે ઉતારી લીધી હતી. નીચે પડી ન જાય તેના માટે વ્યવસ્થિત તેને બાંધી દીધી હતી, જેથી કરીને ઉતારતી વખતે પણ જો તે કૂદી પડે તો કોઈ ઈજા ન થાય. યુવતી દિલ્હીથી સુરત આવી હોવાનું જણાવ્યું હતું. માથાના ભાગે ઈજા થવાથી લોહી નીકળતું હતું, જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.
આ મામલે યુવતીએ જણાવ્યું હતું કે, હું દિલ્હીથી મારા પ્રેમીને મળવા માટે સુરત આવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી હું તેની સાથે પ્રેમમાં હતી. અમારી વચ્ચે શારીરિક સંબંધો પણ બંધાયા હતા. સુરત આવીને તેની સાથે લગ્ન કરવાની વાત કરતા તે મારો સામાન લઈને ભાગી છુટ્યો હતો. આખરે મેં જીવન ટૂંકાવવાનું નક્કી કરી લીધું હતું. જેથી હું હાઈટેન્શન ટાવર ઉપર ચઢી હતી.