
- AMCના ફુડ વિભાગે જશોદાનગરના કિરાણા સ્ટોર્સમાં પાડ્યો દરોડા
- 15 કિલોના 7 ડબ્બા મળ્યા બાદ ગોદામ સીલ કરાયું
- લેબનો રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ વધતી જાય છે. હવે તો બ્રાન્ડ કંપનીના નામે આબેહુબ નકલ કરીને ચિજ-વસ્તુઓ વેચાતી હોય છે. મહેસાણામાં તાજેતરમાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો પકડાયા બાદ અમદાવાદમાં ફુડ વિભાગના અધિકારીઓએ શહેરના ખોખરા વિસ્તારમાંથી બ્રાન્ડેડ અમુલ ઘીના નામે વેચાતો શંકાસ્પદ ફેક ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. શહેરના જશોદાનગર ચોકડી ખાતે આવેલા ચારભુજા કિરાણા સ્ટોરમાં નકલી ઘી વેચાતું હોવા અંગેની બાતમી મળતાં તપાસ કરી હતી. 15 કિલોના 7 જેટલા ડબ્બા મળી આવ્યા હતા, જેમાં અમુલ ઘીના શુદ્ધ શબ્દમાં ભૂલ હતી. જેથી વિભાગની ટીમને જથ્થો શંકાસ્પદ લાગતાં વેપારીને આ જથ્થો ક્યાંથી લાવ્યો હોવા અંગેની પૂછપરછ કરી હતી. હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી ઘી મંગાવ્યું હોવાનું જણાવ્યું હતું. ફુડ વિભાગની ટીમે હાર્દિક ટ્રેડર્સના ગોડાઉન ઉપર પણ દરોડો પાડ્યો હતો. જેમાં ગોડાઉન બંધ હોવાથી સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. હાલ ઘીના સેમ્પલ લઈ કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા શહેરના હાટકેશ્વર સર્કલ પાસે હાર્દિક ટ્રેડર્સમાં તપાસ કરવામાં આવી હતી. જોકે, ગોડાઉન બંધ હતું. જેના કારણે તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. ગોડાઉન માલિકને બોલાવી અને ગોડાઉન ખોલાવી અને ત્યારબાદ તપાસ કરવામાં આવશે. એએમસીના ફુડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી વાન ચેકિંગ માટે બોલાવવામાં આવી હતી. જેમાં પ્રાથમિક રીતે વનસ્પતિ ઘીમાં ભેળસેળ ન હોવાનું સામે આવ્યું છે. જોકે, ઘીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીમાં તપાસના રિપોર્ટ બાદ જ ચોક્કસ ખબર પડશે કે ઘીમાં ભેળસેળ હતી કે કેમ?
એએમસીના ફુડ વિભાગના અધિકારીના કહેવા મુજબ ફુડ વિભાગની ટીમને બાતમી મળી હતી કે શહેરના જશોદાનગર વિસ્તારમાં ચારભુજા કિરાણા સ્ટોરમાં નકલી ઘી વેચાઈ રહ્યું છે. જેથી ત્યાં તપાસ કરવામાં આવતા વેપારી દ્વારા તાત્કાલિક ધોરણે ઘીના ડબ્બાઓ સંતાડવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા અમૂલના નામ સાથેનું ઘીનો ડબ્બો મળી આવ્યો હતો. અમુલ ઘીના ડબ્બા પર હિન્દીમાં શુદ્ધની જગ્યાએ શદ્ધ લખ્યું હતું. જેથી ઘી અમુલ બ્રાન્ડનું નહીં પરંતુ નકલી હોવા અંગેની શંકાને લઈને ડબ્બાઓ જપ્ત કરી લીધા હતા. 15 કિલોના 7 ડબ્બાઓ એટલે કે, કુલ 105 કિલો જેટલું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. દરમિયાન ચારભુજા કિરાણા સ્ટોરના વેપારીની પૂછપરછ કરવામાં આવતા તેને આ ઘીનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો છે તે અંગે વેપારીની પૂછપરછ કરવામાં આવી હતી. જેથી હાટકેશ્વર સર્કલ પાસે આવેલા હાર્દિક ટ્રેડર્સમાંથી ઘી મંગાવ્યું હતું. જેને લઇને એક ટીમ દ્વારા હાર્દિક ટ્રેડર્સ પર તપાસ કરવામાં આવી રહી છે.