
- 12થી વધુ ફાયર બંબાઓથી સતત પાણીનો મારો ચલાવ્યો
- 15 કલાક બાદ આગ કાબુમાં આવી
- 40 કામદારો દોડીનો બહાર આવી જતાં બચી ગયા
સુરતઃ જિલ્લાના દેલાડ ગામ નજીક આવેલી એક યાર્નની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત આગને કાબુમાં લેવા જહેમત ઊઠાવવામાં આવી હતી. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 12 જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી. ભારે જહેમત બાદ 15 કલાકે આગ ઉપર કાબુ મેળવાયો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લામાં દેલાડ ગામ નજીક યાર્નની ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. યાર્ન ઉત્પાદન કરતી આ ફેક્ટરીને જોત જોતામાં આગે આખી ફેક્ટરીને લપેટમાં લઈ લીધી હતી. યાર્ન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો-મટિરિયલ પેટ્રોલિયમ પેદાશના હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. આગ લાગવાના સમયે 40 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા. આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ તમામ કામદારો ફેક્ટરીને બહાર દોડી આવ્યા હતાં, જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
બારડોલી ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું કે, યાર્ન બનાવતી ફેક્ટરીમાં ગઈકાલ સાંજે પાંચ વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. આગ ખૂબ જ ભીષણ હતી. ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની આ ફેક્ટરીમાં બીજા માળેથી આગ લાગવાની શરૂઆત થઈ હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. અંદાજે 15 કલાક બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે. સુરત શહેરની ફાયર વિભાગની ગાડી, બારડોલી, પલસાણા અને માંડવી તેમજ ખાનગી કંપનીની ગાડીઓની મદદથી આગ ઉપર કાબુ મેળવાયો છે. સમગ્ર ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આખે આખી ફેક્ટરી બળીને ખાક થઈ ગઈ છે.