
કર્ણાટકમાં રાજભવન પાસે ઘરેલુ હિંસાના કેસથી કંટાળીને એક વ્યક્તિએ આત્મવિલોપનનો કર્યો પ્રયાસ
મુંબઈઃ બેંગલુરુમાં રાજભવનની બહાર એક વ્યક્તિએ પોતાને આગ લગાવવાનો પ્રયાસ કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું. વ્યવસાયે એન્જિનિયર આ વ્યક્તિએ આરોપ લગાવ્યો કે તેની સામે નોંધાયેલા ઘરેલુ હિંસાના કેસમાં તેને હેરાન કરવામાં આવી રહ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ, સુરક્ષા કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવે તે પહેલાં તે વ્યક્તિએ કથિત રીતે પોતાના પર પેટ્રોલ છાંટી દીધું હતું. હેબ્બલના રહેવાસી અને વ્યવસાયે એન્જિનિયર જુહૈલ અહેમદને સુરક્ષા કર્મચારીઓએ સમયસર આગ લગાવતા અટકાવ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, અહેમદે ગવર્નર નિવાસસ્થાનની બહાર ફૂટપાથ પર ઊભા રહીને પોતાના પર પેટ્રોલ રેડ્યું અને કહ્યું કે તે પોતાનો જીવ લેવા જઈ રહ્યો છે. આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા, તે વ્યક્તિએ અધિકારીઓને કહ્યું, “હું પણ ફરિયાદ નોંધાવવા માંગતો હતો, પરંતુ પોલીસ મારી વાત સાંભળતી નથી. મારી પાસે મારા જીવને છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.” આ ઘટના રાજભવન પાસે ફૂટપાથ પર બની હતી, જ્યાં અહેમદે પોતાના પર પેટ્રોલ છાંટીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના સ્થળ નજીક તૈનાત સતર્ક પોલીસકર્મીઓએ તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો અને તે વ્યક્તિને આત્મદાહ કરતા અટકાવ્યો હતો. તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, “તેની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. તેની તબીબી તપાસ કરવામાં આવશે અને તેના પરિવારને ઘટના વિશે જાણ કરવામાં આવી છે. હાલમાં, તેનો પરિવાર અમારી સાથે છે.”
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક મહિનામાં આવા ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં, મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં રહેતા એક વ્યક્તિએ તેની પત્નીથી રક્ષણ મેળવવા માટે સરકાર પાસે મદદ માંગી હતી. તેણે દાવો કર્યો હતો કે તેની પત્ની તેના પ્રેમી સાથે મળીને તેની હત્યાનું કાવતરું ઘડી શકે છે અને તેથી તેને સુરક્ષા આપવી જોઈએ.
વિરોધ કરી રહેલા વ્યક્તિએ કહ્યું કે જેમ મેરઠના મુસ્કાન અને સાહિલે સૌરભને સાથે મળીને માર્યો હતો, તેવી જ રીતે તેને પણ મારી શકાય છે. પીડિત અમિત કુમાર સેન, મુખ્યમંત્રીને સંબોધિત સંદેશ સાથે એક પ્લેકાર્ડ પકડીને બેઠા હતા, જેમાં તેમની પત્નીને સજાની માંગ કરવામાં આવી હતી.