- BMW કારે ટક્કર મારતા સ્કૂટરચાલક વિદ્યાર્થી 50 ફુટ સુધી ફંગોળાયો,
- અકસ્માતમાં BMWનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો,
- રાજકોટમાં છેલ્લા ચાર દિવસમાં રોડ અકસ્માતમાં ચાર લોકોના મોત નીપજ્યા
રાજકોટઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં ગત રાત્રે શહેરના કાલાવાડ રોડ પર બેફામ ઝડપે આવેલી બીએમડબલ્યુ કારે સ્કૂટરચાલકને અડફેટે લેતા તેનુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. અકસ્માતનો ભોગ બનેલો સ્કૂટરચાલક મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો અભિષેક નાથાણી હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ નજીક ગઈ રાતે પૂરપાટ ઝડપે જતી BMW કારના ચાલકે ટૂ-વ્હીલર ચાલકને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે. કાર ચાલક આત્મન પટેલે BMWથી એટલી જોરદાર ટક્કર મારી કે મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થી અભિષેક નાથાણી 10 ફૂટ ઊછળી 50 ફૂટ સુધી ફંગોળાયો હતો. આ અકસ્માતમાં રોડ પર તણખા ઝર્યા હતા. અને ટૂ-વ્હીલરના ફુરચેફુરચા થઈ ગયા હતા. આ બનાવને લીધે આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. પોલીસે યુવાનના મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ રાજકોટ શહેરમાં ગઈ રાત્રે 2 વાગ્યે કાલાવડ રોડ પરના ક્રિસ્ટલ મોલ નજીક પૂરપાટ ઝડપે જીજે.03.એનબી.7301 નંબરની કાળા કલરની BMW કારના ચાલકે ટૂ-વ્હીલર ચાલક અભિષેકને અડફેટે લીધો હતો. કારની જોરદાર ટક્કરથી અભિષેક 10 ફૂટ ઊછળીને 50 ફૂટ સુધી ફંગોળાતા ગંભીર ઈજા થતાં સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં BMWનો આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. તો ટૂ-વ્હીલરના પણ ફુરચેફુરચા થઈ ગયાં હતાં. બનાવની જાણ 108ને થતાં સ્ટાફે આવી યુવકને તપાસી મૃત જાહેર કર્યો હતો અને બનાવ અંગે પોલીસને જાણ કરી હતી. મૃતક અભિષેક નાથાણી બે ભાઈમાં નાનો હતો અને મારવાડી કોલેજમાં બી.ટેક.નો અભ્યાસ કરતો હતો. મૃતક અર્જુન પાર્ક, નંદા હોલ પાસે કોઠારિયામાં રહેતો હતો.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે પૂરપાટ ઝડપે હોન્ડા સિટી કારની અડફેટે માતા-પુત્રીનો અકસ્માત થયો હતો, જેમાં સારવાર દરમિયાન 15 વર્ષીય પુત્રીનું મોત નીપજ્યું હતું. તો અન્ય બે બનાવમાં બે લોકોએ જીવ ગુમાવ્યાં છે. આમ શહેરમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતથી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં એક તરુણ, એક તરુણી અને બે યુવકના મોત નીપજ્યા છે.


