
ખેડા હાઈવે પર પામાલિન તેલ ભરેલા ટેન્કરે પલટી ખાધી, તેલ લેવા લોકો કેરબા લઈને દોડ્યાં
- ગાંધીધામથી પોમાલિન તેલ ભરીને ટેન્કર નડિયાદ જઈ રહ્યુ હતું,
- કોઈ પશુને બચાવવા જતા ટેન્કરે પલટી ખાધી,
- ગ્રામજનો વાસણો-કેરબા લઈને તેલ ભરવા દોડ્યા
અમદાવાદઃ ગાંધીધામથી પામોલિન તેલ ભરીને નડિયાદ જઈ રહેલું ટેન્કર ખેડા નજીક હાઈવે પર પલટી ખાધી હતી. આથી ટેન્કરમાંથી 32 ટન પામોલિન તેલ હાઇવે પર રેલમછેલ થતાં આજુબાજુના લોકો ડોલ-કેરબા સહિત જે હાથમાં આવ્યું એ લઇને ભરવા દોડ્યા હતા, જોકે અકસ્માતની આ ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી.
આ બનાવની વિગત એવી છે કે, કચ્છના ગાંધીધામથી પામોલિન તેલ ભરીને ટેન્કર નડિયાદ જઇ રહ્યું હતું. આ દરમિયાન ખેડા પાસે કોઇ પશુ આડે આવી જતાં ડ્રાઇવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટેન્કર ગુલાંટ મારી ગયું હતું. ટેન્કર પલટી ખાતા હાઈવે પર પામોલિન તેલ રેલમછેલ બન્યુ હતું. હાઈવે પર પામોલિન તેલ ઢોળાયાની જાણ થતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો જે વાસણ હાથમાં આવ્યું એ લઇને તેલ ભરવા માટે દોડ્યા હતા અને જોતજોતાંમાં હજારો લિટર ઢોળાયેલું પામોલિન ઓઇલ લોકોએ ભરી લીધું હતું.
આ ઘટનાને પગલે રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી, સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી તેમજ ટ્રાફિક વ્યવસ્થાપન હાથ ધર્યું હતું. ટેન્કરના ડ્રાઇવર ભજનલાલે જણાવ્યું હતું કે હું મારી રીતે ટેન્કર ચલાવીને આવતો હતો, એ દરમિયાન અચાનક ઢોર આવી જતાં ગાડી અનબેલેન્સ થઇને ગ્રિલને ટકરાઇને પલટી મારી ગઇ હતી. આ ટેન્કરમાં 32 ટન પામોલિન ઓઇલ ભરેલું હતું, જે નડિયાદમાં ખાલી કરવાનું હતું.
ખેડા ફાયર વિભાગના સૂત્રોના કહેવા મુજબ માતર પોલીસ ટાઉન સ્ટેશન તરફથી અમને ખેડા હાઇવે પર ઓઇલનું ટેન્કર પલટી ખાઈ ગયું હોવાની જાણ મળી હતી. તરત જ અમે અમારી ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. હાઈવે પર ઢોળાયેલા ઓઇલને કારણે કોઈ મોટી દુર્ઘટના, ખાસ કરીને આગ કે લપસી જવાનો અકસ્માત ન સર્જાય, એને ધ્યાનમાં રાખીને અમે સુરક્ષાનાં પગલાં ભર્યાં હતાં અને સ્થળ પર હાજર રહ્યા હતા.