
તાપી જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ગણતરીના દિવસો રહ્યા છે. ત્યારે ૨૬મીએ યોજાનારા ભવ્ય પોલીસ પરેડ તથા વિવિધ શોની રોજબરોજ પ્રેક્ટીસ અને રિહર્સલ શેસનમં થતા સ્ટંટ ખાસ કરીને યુવાઓ અને બાળકોને રોમાંચિત કરે તેવા છે.
રાજ્યકક્ષાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી સામેલ થયેલા શ્રેષ્ઠ કરતબો અને શોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્ય ૦૫ કાર્યક્રમો છે. બ્રાસ બેન્ડ ડિસ્પ્લે, સાંસ્કૃતિક કાર્યક્રમ, મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ શો, અશ્વ શો પોલીસ વિભાગ દ્વારા રજુ થનાર છે.
બ્રાસ બેન્ડ ડિસ્પ્લે : બ્રાસ બેન્ડ ડિસ્પ્લેની ટીમ તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ બેન્ડ કોમ્પ્યુટેશનમાં નાગાલેન્ડ ખાતે ભાગ લઇ ગુજરાત પોલીસનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. ટીમ દ્વારા વિવિધ ફોરમેશન સાથે ડિસ્પ્લે કાર્યક્રમ રજુ કરવામાં આવશે. જે ખરેખર જોવા જેવો છે.
સાંસ્કૃતિક કાર્યક્રમ (સપ્તરંગી ગુજરાત) : ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરતા લોકનૃત્યો જેવા કે ગુજરાતના ભાતિગળ ગરબા,હાલાર પ્રદેશનો રાસ,ડુંગરાળ પ્રદેશના વનબંધુઓનું ટીમ્બલી નૃત્ય. સોરઠ ધરાની ટીપણી નૃત્ય રજુ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત પોલીસના મહિલા/પુરૂષ મળી કુલ-૨૨૫ કર્મચારીઓએ ભાગ લીધો છે. નૃત્યોનુ સંગીત, ડ્રેસ કોડ અને વિવિધ ફોર્મેશન સૌમાં જોશ જગાડે છે.
મોટરસાયકલ સ્ટંટ શો : પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આ શો સૌથી લોકપ્રિય હોય છે. ખાસ કરીને બાળકોમાં કુતહલતા જગાવતો આ શોમાં મોટરસાયકલની મદદથી સિંગલ અને ડબલ ઇવેન્ટો કરાશે. જેમાં પોલીસ જવાનો દ્વારા આંખના પલકારામાં જ એક બીજાને ઉનિઆંચ પણ ન આવે તે રીતે દિલ ધડક ક્રોસીંગ કરતા વિવિધ સ્ટંટ જોવા મળશે.
ગુજરાતનું ગૌરવવંતુ પોલીસ શ્વાનદળ : ડોગ શોમાં લેબ્રાડોર, જર્મનશેફર્ડ,અને બેલ્જીયમ મલીનોઇઝ જાતિના ડોગનો સમાવેશ કરાયો છે. આ શ્વાન પગેરૂ શોધવા, ગંધ પારખવવા, સ્ફોટક પદાર્થ શોધવામાં અને નશીલા પદાર્થ શોધવામાં તાલીમબધ્ધ હોય છે. નોંધનિય છે કે, ગુજરાત રાજ્ય પોલીસ શ્વાનદળે અત્યાર સુધીમાં અખિલ ભારતીય શ્વાન સ્પર્ધા અને ચૅપિયન ડોગ “શો”માં પ્રશંસનીય કામગીરી કરી ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ, બ્રોઝ મેડલ, ટ્રોફીઓ અને પ્રંશસાપત્રો મેળવી શ્વાનદળનું ગૌરવ વધાર્યું છે.
અશ્વ શો/ ટેન્ટ પેગીંગ શો : ટેન્ટ પેગીંગનો ઇતિહાસ કઇંક આમ છે, રાજા મહારાજા અને અંગ્રેજોના સમયમા એક બીજાના રાજ્યો ઉપર દુશ્મનોના જે ટેન્ટો લાકડાની પેગો જમીનમાં રોપીને એ ટેન્ટોમાં રોકાણ કરતાં આ સમયમાં આવા ટેન્ટો અને દુશ્મનોની છાવણી ઉપર ઘોડાઓ ઉપર સવાર થઇ અશ્વો દ્વારા હુમલો કરી પેગોને ભાલાથી ઉખેડી નાખવામાં આવતા હતા. આ રીતે દુશ્મનોના ટેન્ટો ઉપર હુમલો કરવામાં આવતો હતો.
આમ, આ સમય પછી થી હાલમાં નેશનલ લેવલે તેમજ આંતર રાષ્ટ્રીય લેવલે રમાતી અશ્વ સ્પર્ધાઓમાં આ ટેન્ટ પેગીંગ ઇવેન્ટનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. આ ઇવેન્ટમાં પાણીદાર અને ચુનંદા અશ્વોનો તેમજ ચુનંદા અશ્વ સવારો દ્વારા આ હોર્સ-શૉના દિલધડક કરતબો બતાવી તમામ દર્શકોને મંત્રમુગ્ધ કરી દે છે.
અત્રે નોંધનિય છે કે, પોલીસ વિભાગના તમામ કાર્યક્રમો ડી.જી.પી.સાહેબની સુચનાથી સ્ટેટ નોડલ અધિકારી તથા ના.પો.અધિક્ષક વિજયસિંહ પરમારની ટીમ દ્વારા તૈયાર કરાવા સહિત તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. નાયક અને સમગ્ર તાપી જિલ્લા પોલીસ ટીમ પ્રશંસનીય કામગીરી કરી રહી છે.
રાજયકક્ષાના ભવ્ય કાર્યક્રમને નજરસમક્ષ માણવો એક લાહ્વો છે. ત્યારે તાપી જિલ્લામાં બાજીપુરા ખાતે યોજાનાર કાર્યક્રમમાં કોઇ બાકાત ન રહે તથા બાળકો, સિનિયર સીટીઝન સહિત દરેક નાગરિક પ્રજાસત્તાક પર્વમાં સહભાગી થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.