
- સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે,
- સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનાર વિજેતાને ઈનામ અપાશે,
- દરેક વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે સ્પેશિયલ વર્કશોપ યોજાશે,
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 13મી ઓકટોબરથી ત્રિદિવસીય 53 મો યુવક મહોત્સવ યોજાશે. આ યુવક મહોત્સવમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધાઓ યોજાશે. જેમાં યુનિવર્સિટી સંલગ્ન 235 માંથી માત્ર 70 જેટલી કોલેજના વિદ્યાર્થીઓએ જ ભાગ લેવા માટે ફોર્મ ભરી દીધા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી તા. 13મી ઓકટોબરથી યોજાનારા ત્રિદિવસીય યુવક મહોત્સવ પહેલા પ્રથમ વખત કલા, સાહિત્ય અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે વર્કશોપ યોજાશે જેમાં એક્સપર્ટ દ્વારા કઈ સ્પર્ધામાં ભાગ લેવા માટે કયા પ્રકારની આવડત તેમજ તૈયારીની જરૂર પડે છે તેનું ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવશે. યુવક મહોત્સવ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ લાવનારા વિજેતાને અનુક્રમે 2,500, 1,500 અને 1,000 નું ઈનામ અપાશે. તેમજ ટ્રોફી વિતરણ કરી જાહેર સન્માન કરવામાં આવશે. જેથી વિજેતા વિદ્યાર્થીઓની પ્રતિભાને પ્રોત્સાહન મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન રાજકોટ ઉપરાંત મોરબી, જામનગર, દિગ્વિજય ગ્રામ, અમરેલી અને સુરેન્દ્રનગર જિલ્લાની 235 જેટલી કોલેજોમાં 3 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જે દરેક વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે સ્પેશિયલ વર્કશોપ ગોઠવવામાં આવશે. જેમાં એક્સપર્ટ દ્વારા અલગ અલગ સ્પર્ધા અંગે ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપવામાં આવશે. જેમાં લોકસાહિત્યની સ્પર્ધાઓમાં ગુજરાતી ભવનના પૂર્વ અધ્યાપક એવા લોક સાહિત્યકાર રાજુલ દવે, લોકગાયક નિલેશ પંડ્યા તથા મેઘાણી લોક કથાકાર અને આકાશવાણીના પૂર્વ ડાયરેકટર શાંતિલાલ રાણીંગા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. આ સિવાયના અન્ય એક્સપર્ટ પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરી તેઓની કળાને સુદ્રઢ બનાવવાનો પ્રયત્ન કરશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવના આયોજક ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં યોજાનારા 53માં યુવક મહોત્સવમાં વકૃત્વ સ્પર્ધા, પાદપૂર્તિ, ગઝલ, શાયરી અને કાવ્ય લેખન, ડિબેટ, ક્વિઝ, હસ્તકલા હોબી, સર્જનાત્મક કારીગરી, રંગોળી, કાર્ટુનિંગ, ચિત્રકલા, કોલાજ, ક્લે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાલ છબીકલા, હળવું કંઠ્ય સંગીત, શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્યસંગીતમાં તાલવાદ્ય અને સ્વરવાદ્ય, શાસ્ત્રીય નૃત્ય, વેસ્ટર્ન વોકલ (સોલો), લોકગીત, ભજન, દુહા છંદ, મિમિક્રી, મૂક અભિનય, સમૂહ ગીત, વેસ્ટર્ન ગ્રુપ સોંગ, એકાંકી, લઘુ નાટક (સ્કીટ), સમૂહ નૃત્ય, પ્રાચીન રાસ, સમૂહ લોકવાદ્ય સંગીત અને હાલરડાંની સ્પર્ધા યોજવામાં આવશે.