
- યુનિવર્સિટી હોસ્ટેલના વિદ્યાર્થીઓ બહાર દોડી આવી ફાયરબ્રિગેડને જાણ કરી,
- ઝાડ પડવાને કારણે રોડ પરથી પસાર થતા બે ટુ વ્હીલરચાલકો પણ ઘવાયા,
- રોડ બ્લોક થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા
વડાદરાઃ આફત ક્યારેય કહીને નથી આવતી, ત્યારે શહેરમાં એસટી બસ પસાર થઈ રહી હતી તે સમયે જ એક તોતિંગ ઝાડ એસટી બસ પર તૂટી પડ્યુ હતું. જોકે આ બનાવમાં એસટી બસના પ્રવાસીઓનો બચાવ થયો હતો. પણ રોડ પર જતા બે ટુ વ્હીલર ચાલકોને પણ ઇજા થઈ હતી.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના પોલિટેકનિક ગેટ પાસે સોમવારે સાંજે એસટી બસ ઉપર ઝાડ પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઝાડ પડવાને કારણે માર્ગ ઉપરથી પસાર થતા બે ટુ વ્હીલર ચાલકોને પણ ઇજા પહોંચ્યા હતી જેમને ઝાડ નીચેથી સ્થાનિક લોકોએ બહાર કાઢી સારવાર માટે 108 ની મદદથી હોસ્પિટલ ખસેડ્યા હતા. બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાવતા દોડી આવેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ કામગીરી હાથ ધરી હતી.
આ બનાવ અંગે સ્થાનિક લોકેના કહેવા મુજબ અચાનક મોટેથી અવાજ આવતા યુનિવર્સિટી હોસ્ટેલના વિદ્યાર્થીઓ બહાર દોડી આવ્યા હતા જેમને બસ ઉપર ઝાડ પડેલું જોતા જ અને તેની નીચે બે લોકોને દબાયેલા જોતા તેમને બહાર કાઢ્યા હતા. આ બનાવને લીધે રોડ પર ભારે ટ્રાફિકજામ થતા તેને પણ ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી હતી. સાથે ફાયર બ્રિગેડને ઘટના અંગે જાણ કરવામાં આવી હતી સાંજે 6:39 વાગે બનેલી આ ઘટનાને પગલે પીકઅવર્સમાં ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.જો બસ ઉપર ઝાડ ન પડ્યું હોત તો અનેક લોકોનો જીવ ગયા હોત.
ફાયર બ્રિગેડના સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટનાથી પહેલા જ લોકોએ ઇજાગ્રસ્તોને બહાર કાઢી લીધા હતા અમે ઝાડ કાપી રોડ ક્લિયર કરાવ્યો હતો. ઝાડ પડવાની ઘટનાથી માર્ગ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવને પગલે દોડી આવેલા હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે આવે તે પહેલાં જ છાત્રોએ નૈતિક ફરજ સમજી કામગીરી કરી હતી.
સ્થાનિક લોકોએ ઝાડ પડવાની ઘટનામાં કોર્પોરેશન ઉપર આક્રોશ વ્યક્ત કરતા તંત્રની નિષ્કાળજી હોવાનું જણાવ્યું હતું. આ ઝાડ અનેક લોકોનો જીવ લઈ જાત પરંતુ સદનસીબે ઘટના ટળી છે ત્યારે મ્યુનિ. કોર્પોરેશનને શહેરમાં આવા જુના અને જોખમી ઝાડને ચોમાસાના સમયમાં દૂર કરવા જોઈએ જેથી વરસાદ અને વંટોળના સમયે આવી દુર્ઘટનાઓ થતી અટકાવી શકાય.