ગાંધીનગર, 1 એપ્રિલ 2026: A young biker died after his bike slipped જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લવારપુર રોડ પર પૂરફાટ ઝડપે બાઈક સ્લીપ થતાં 24 વર્ષીય બાઈકચાલકનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ગિફ્ટસિટીમાં એક ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. આ અંગે મૃતકના પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ પશ્ચિમ બંગાળના અને હાલ ચાંદખેડામાં જનતાનગર ખાતે રહેતા જહરલાલ દત્તાનો મોટો પુત્ર પિનાકી દત્તા ગિફ્ટ સિટીમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. ઓફિસમાં નવા એમડી આવવાના હોવાથી પિનાકી સાંજના આશરે સાડા ચાર વાગે પોતાની કેટીએમ બાઇક લઈને નોકરી પર જવા નીકળ્યો હતો. અને લવારપુર રોડ પર બાઈક સ્લીપ થતા પીનાકી રોડ પર પટકાયો હતો, આ બનાવને લીધે આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા. અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા પિનાકીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. દરમિયાન પત્ની શિલ્પા પર પિનાકીના જ ફોન પરથી એક અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે, શાહપુર બાપા સીતારામ સર્કલથી લવારપુર તરફ જતા રોડ પર મહાકાળી માતાના મંદિર પાસે બાઇકનો અકસ્માત થયો છે. આ સમાચાર મળતા જ પિતા જહરલાલ અને નાનો ભાઈ રાહુલ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. ત્યારે જાણવા મળ્યું હતું કે પિનાકીને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જેથી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચતા જ પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તબીબોએ તપાસ બાદ પિનાકીને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી પિનાકીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. પુત્રની લૌકિક ક્રિયા પૂર્ણ થતા પિતાની ફરિયાદના આધારે ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


