
- ભિલોટના બે મિત્રો રાધનપુરમાં ગરબા જોઈ ઘરે પરત આવી રહ્યા હતા,
- બન્ને બાઈક પૂરફાટ ઝડપે સામસામે અથડાયા,
- બાઈકસવાર એક યુવાને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો
રાધનપુરઃ શહેરના રેલવે સ્ટેશન નજીક પૂરફાટ ઝડપે બે બાઈકો સામસામે અથડાતા રામનગર ભિલોટ ગામમાં રહેતા બાઈકચાલક યુવકનું મોત થયું હતું તેમજ અન્ય એક બાઈક સવાર યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે ગુનો નોંધીને અકસ્માતના બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
રાધનપુરના રેલવે સ્ટેશન નજીક પૂરફાટ ઝડપે જતા બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક યુવાનું મોત નિપજ્યું હતુ. રાધનપુરના રામનગર ભિલોટ વિસ્તારમાં રહેતા ગોપાલભાઈ જયંતીભાઈ ઠાકોર (ઉ.વ.20) તેમના સંબંધીનું બાઈક લઇ પોતાના મિત્ર કિશન સાથે રાધનપુરમાં ગરબા રમવા માટે ગયો હતો. ગરબા રમીને પરત આવી રહ્યા હતા જે દરમિયાન રેલવે સ્ટેશન નજીક સામેથી આવી રહેલી એક બાઈક સાથે ધડાકાભેર અથડાયા હતા. સામસામે બંને બાઈકો અથડાતા બાઈક સવાર યુવકો ફંગોળાઈને રસ્તા ઉપર પટકાયા હતા. જેમા ગોપાલ ઠાકોરને ગંભીર જાઓ થતાં તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. તેમજ તેના બાઈકમાં સવાર મિત્ર કિશન ઠાકોરને ગંભીર ઇજાઓ પહોંચી હોઇ સારવાર હેઠળ છે.
આ બનાવ અંગે મૃતકના પિતા દ્વારા રાધનપુર પોલીસ મથકે અકસ્માતનો ગુનો નોંધાયો હતો. તપાસ અધિકારી પીઆઇ આર કે પટેલે જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનામાં એક યુવાનનું મોત છે અને એક યુવાન ઈજાગ્રત છે. સામેવાળા બાઈક નંબરના અજાણ્યા ચાલક સામે ગુનો નોંધાયો છે. હાલમાં તપાસ શરૂ કરી છે.નિવેદનો લેવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અકસ્માતનું સત્ય કારણ જાણી શકાશે.