
અમદાવાદમાં સરાજાહેર તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને યુવાનની કરાઈ હત્યા, 3 આરોપી ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં ચોરી, હત્યા અને લૂંટ સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં સ્કૂલ વિદ્યાર્થીની સહપાઠીએ તિક્ષણ હથિયારના ઘા મારીને હત્યા કર્યાની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક શખ્સોએ યુવાનનું અપહરણ કર્યા બાદ સરાજાહેર તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો. બીજી તરફ પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. પોલીસે સમગ્ર ઘટનામાં 3 આરોપીઓને ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 10 જેટલા શખ્સોએ એક યુવાનનું અપહરણ કર્યું હતું. દરમિયાન જાહેરમાં રોડ વચ્ચે 10થી વધુ લોકોએ ઘાતક હથિયાર સાથે યુવક પર તૂટી પડ્યા હતા. જ્યા યુવકના ભાઈ પર હુમલો થયો હતો, એ જ જગ્યા પર યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી છે. કાગડાપીઠ પોલીસે આરોપીઓ સામે અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે વિજય વાઘેલા, શૈલેષ ગૌતમ, પુનમ પટણી નામના આરોપીઓ ધરપકડ કરી છે. તેમજ પોલીસે ગુનામાં વપરાયેલી બે રીક્ષા જપ્ત કરી છે. થોડા દિવસો પહેલા 19 ઓગસ્ટે મેઘાણીનગરમાં બબાલ થઇ હતી, સતીશ અને તેની ગેંગે વિપુલ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં મૃતક સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ થયો હતો, મુખ્ય આરોપી વિજય ઉર્ફે બટ્ટાનો ગુનાહિત ઇતિહાસ છે. કુલ 6 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસની 5 ટીમ બનાવીને વિજય વાઘેલા, શૈલેષ ગૌતમ, પુનમ પટણી નામના આરોપીને ઝડપી પાડ્યા છે. CCTV ફૂટેજ અને પૂછપરછ આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ધોળા દિવસે હત્યાથી ફફડાટ ફેલાયો છે.