
- ભૂજ-ભચાઉ હાઈવે પર ધાણેટી ગામ પાસે બન્યો બનાવ
- કારમાં સવાર અન્ય ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
- ગ્રામજનોએ દોડી આવી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભૂજ-ભચાઉ હાઈવે પર ધાણેટી ગામ પાસે વહેલી સવારે વધુ કાર અને ટ્રક વચ્ચે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. ધાણેટી પાસે કાર અને ટ્રક ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતના બનાવમાં કારમાં સવાર અમદાવાદના મનીષ નામના વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, ભૂજ-ભચાઉ હાઈવે પર ધાણેટી ગામ પાસે વહેલી સવારે પુરફાટ ઝડપે આવતી કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં પ્રવાસ કરી રહેલા મનીષ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને વાહનમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં મદદ કરી હતી. 108 એમ્બ્યુલન્સની ટીમે ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને પ્રવાસીઓને પ્રાથમિક સારવાર આપી હતી. ધાણેટી પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે ટ્રેલર ચાલકની અટકાયત કરી છે અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની શક્યતા ચકાસવા માટે કાર અને ટ્રેલર ચાલક બંનેના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તપાસના આધારે વધુ કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને કચ્છમાં લોરિયા-વેંકરિયા વચ્ચે એક કાર અકસ્માતમાં એક બાળકીનું મોત થયું હતું અને પાંચ લોકો ઘાયલ થયા હતા. તેમજ ઉત્તરાયણના દિવસે ખાવડા માર્ગ પર ગોરેવાલી નજીક કાર અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં વાહનચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી.