1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે લાયસન્સ ફી ન ચુકવાતા એજન્સીઓ સામે કાર્યવાહી
અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે લાયસન્સ ફી ન ચુકવાતા એજન્સીઓ સામે કાર્યવાહી

અમદાવાદમાં જાહેરાતના હોર્ડિંગ્સ માટે લાયસન્સ ફી ન ચુકવાતા એજન્સીઓ સામે કાર્યવાહી

0
Social Share
  • 80 કરોડથી વધારેની લાયસન્સ ફીની રકમ ચૂકવવાની બાકી
  • એએમસીએ કડક કાર્યવાહી કરી જાહેરાતના હોર્ડિગ્સ ઉતારી લીધા
  • એએમસી દ્વારા વારંવાર નોટિસો આપવા છતાયે લાયસન્સ ફીની વસુલાત થતી નહતી

અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ પરની ખાનગી મિલકતો પર જાહેરાતના હોર્ડિંગ્સ લગાવવા માટે એજન્સીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાયસન્સ ફી ચુકવવી પડે છે. છેલ્લા ઘણા વખતથી એજન્સીઓ લાયસન્સ ફી ચૂંકવતી ન હોવાથી મ્યુનિ.ના એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. અને આજે શુક્રવારે સવારથી 50 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવ્યા છે. એજન્સીઓને લાયસન્સપેટે રૂપિયા 80 કરોડથી વધુ એએમસીને ચુકવવાના થાય છે. વારંવાર નોટિસો આપવા છતાંયે લાયસન્સ ફી નચુકવતી એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં ખાનગી મિલકતો પર લગાવવામાં આવેલા જાહેરાતના હોર્ડિંગ્સને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. એજન્સીઓ દ્વારા મ્યુનિને કરોડો રૂપિયાની લાયસન્સ ફી ચૂકવવામાં ન આવતા એએમસી દ્વારા હવે કડક કાર્યવાહીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા વિશાળ જાહેરાતના હોર્ડિંગ્સ ઉતારી લેવામાં આવ્યા છે. આજે વહેલી સવાર સુધીમાં અંદાજે 50થી વધુ હોર્ડિંગ્સને દૂર કરી દેવામાં આવ્યા છે. બાકીના હોર્ડિંગ્સને પણ ઉતારી લેવાની કાર્યવાહી સમગ્ર દિવસ દરમિયાન ચાલશે.

મ્યુનિના એસ્ટેટ વિભગાના સૂત્રોના જણાવ્યા મુજબ  શહેરમાં ખાનગી મિલકતો પર જાહેર ખબર એજન્સીઓ દ્વારા જાહેરાતના વિશાળ હોર્ડિંગ્સ લગાવવામાં આવતા હોય છે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંજૂરી અને લાયસન્સ મેળવવાની પ્રક્રિયા કરવાની હોય છે. વાર્ષિક લાયસન્સ ફી જાહેર ખબર એજન્સીએ મ્યુનિને ચૂકવવાની હોય છે. જોકે જાહેર ખબર એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી મ્યુનિને અંદાજિત 80 કરોડથી વધારેની લાયસન્સ ફીની રકમ ચૂકવવામાં આવી નથી. જેને લઈને અવારનવાર નોટિસો આપવા છતાં પણ કોઈ ફી ચૂકવવામાં આવી નહોતી. આ મામલે કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી.

મ્યુનિના ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના સૂત્રોએ જણાવ્યું હતું કે, એએમસીના એસ્ટેટ વિભાગ દ્વારા જે જાહેર ખબર એજન્સીઓ દ્વારા વાર્ષિક લાયસન્સ ફી નથી ચૂકવવામાં આવી એવી ખાનગી મિલકતો પર લગાવેલા જાહેર ખબરના હોર્ડિંગ્સનું લિસ્ટ બનાવી ગત મોડી રાત્રે શહેરના એલિસબ્રિજ, પાલડી, નવરંગપુરા, થલતેજ, વસ્ત્રાપુર સહિતના અલગ અલગ વિસ્તારોમાં લગાવેલા વિશાળ જાહેરાતના હોર્ડિંગ્સને ઉતારી લેવામાં આવ્યા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code