
- સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોમાં 16246 બેઠકો ઉપલબ્ધ,
- 18 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન અને ઓનલાઈન પીન વિતરણ ચાલશે,
- દસ્તાવેજોની ચકાસણી કાલે તા. 7થી 19 જુલાઈ દરમિયાન 29 સેન્ટરો પર કરાશે
અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપથી સહિતની વિદ્યાશાખાઓમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરાયો છે. NEET UG 2025નું પરિણામ જાહેર થયા પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્યની સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજોની કુલ 16,246 બેઠકો માટે ઓનલાઈન પિન વિતરણ અને રજિસ્ટ્રેશન 18 જુલાઈ સુધી ચાલુ રહેશે. દસ્તાવેજોની ચકાસણી માટે 7થી 19 જુલાઈ દરમિયાન 29 હેલ્પ સેન્ટરો કાર્યરત રહેશે.
રાજ્યમાં તબીબી વિદ્યાશાખાઓમાં પ્રવેશ પ્રકિયાનો પ્રારંભ કરાયો છે. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ધોરણ-12 સાયન્સ B અથવા AB ગ્રુપ, ગુજરાતની સ્કૂલોમાંથી પાસ કરેલું હોવું જોઈએ તથા NEET UG 2025માં લાયકાત પ્રાપ્ત કરેલી હોવી આવશ્યક છે. પ્રવેશ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ સંબંધિત કાઉન્સિલના નિયમો અનુસાર થશે. વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરતી વખતે હેલ્પસેન્ટર અને સમય પસંદ કરવો પડશે અને ત્યારબાદ અરજીની રસીદ સાથે નક્કી કરેલી તારીખે હાજર રહેવું રહેશે. દરેક કલાકે 30 વિદ્યાર્થીઓને ટોકન અપાશે,
પ્રવેશ સમિતિના સૂત્રોના જણાવ્યા મુજબ AMCની NHL કોલેજ અને સુરતની SMIMER માટે સ્થાનિક રહીશ હોવાનું સર્ટિફિકેટ સંબંધિત ડીન પાસેથી લેવુ ફરજિયાત રહેશે. NRI ઉમેદવારોને રજિસ્ટ્રેશન પછી રૂ. 10,000ની ડીમાન્ડ ડ્રાફ્ટ ‘ACPUGMEC’ના નામે ગાંધીનગર જમા કરાવવી પડશે. SFI આયુર્વેદ/હોમિયોપેથીના 15 ટકા ઓલ ઇન્ડિયા કોટા માટે અલગ પ્રવેશ પ્રક્રિયા યોજાશે.