
- હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બે સરકારી કોલેજોનો પ્રારંભ,
- સરકારી કોલેજ હોવાથી વિદ્યાર્થીઓ સામાન્ય ફીમાં અભ્યાસ કરી શકશે,
- મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોથી વિસનગરને બે સરકારી કોલેજો મળી
પાટણઃ મહેસાણા જિલ્લાના વિસનગરમાં એક સાથે બે સરકારી કોલેજો શરૂ કરવામાં આવી છે. જેમાં એક સરકારી કોમર્સ કોલેજ અને બીજી સરકારી કોલેજ લો કોલેજ છે. આ બન્ને કોલેજો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે. આ બન્ને કોલેજોમાં જીકાસ દ્વારા પ્રવેશની કાર્યવાહી શરૂ કરી દેવામા આવી છે. બન્ને સરકારી કોલેજોમાં ફી સામાન્ય હોવાથી વિદ્યાર્થીઓને લાભ મળશે.
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સંલગ્ન નવા શૈક્ષણિક વર્ષમાં લાંબા વર્ષો બાદ બે નવીન સરકારી કોલેજોને મંજુરી આપવામાં આવી છે. જેમાં એક સાથે માત્ર વિસનગરમાં જ સરકારી કોમર્સ કોલેજ અને સરકારી લૉ કોલેજ સરકાર દ્વારા મંજૂર કરીને નવા શૈક્ષણિક વર્ષથી જ શરૂ કરવા માટે યુનિવર્સિટી દ્વારા મંજૂરી આપતા જીકાસ પોર્ટલ ઉપર પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ જવા પામી છે.
વિસનગરના ધારાસભ્ય અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના પ્રયાસોને લીધે વિસનગરમાં સરકારી કોમર્સ કોલેજ અને સરકારી લૉ કૉલેજ મંજુર કરાવવામાં આવી છે. સરકારના બજેટમાં બંને કોલેજો મંજૂર કરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા બંને કોલેજોને જોડાણ કરી નવા શૈક્ષણિક વર્ષથી તેને શરૂ કરવા માટે મંજૂરી આપતા પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થવા પામી છે, આ વર્ષથી જ સ્થાનિક તેમજ આસપાસના મહેસાણાના વિદ્યાર્થીઓ આ બંને કોલેજોમાં પ્રવેશ લઈ શકશે. સરકારી કોલેજ હોય વિદ્યાર્થિનીઓ ફ્રી માફ તેમજ વિદ્યાર્થીઓ માટે અને ફી નું નહિવત ધોરણ હોવાથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ તેમાં પ્રવેશ લઈને ઓછા ખર્ચમાં અભ્યાસ કરી શકશે.