અમદાવાદ, 28 ઓગસ્ટ, 2026 : Advance booking of 88,626 tickets was recorded in a single day via the GSRTC mobile app ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-GSRTC દ્વારા મુસાફરોની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી ડિજિટલ સેવાઓ અને મોબાઇલ એપ્લિકેશનને રાજ્યના નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. GSRTC મોબાઇલ એપ દ્વારા એક જ દિવસમાં સૌથી વધુ ૮૮,૬૨૬ મુસાફરોએ એડવાન્સ બુકિંગ કરી નવો રેકોર્ડ સ્થપાયો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં સ્વચ્છ, સુરક્ષિત અને સલામત મુસાફરી પૂરી પાડવાની રાજ્ય સરકારની કટિબદ્ધતાના પરિણામે લાખો મુસાફરો હવે સ્માર્ટફોન થકી સરળતાથી બુકિંગ કરી રહ્યા છે.
ગઈકાલે તા. ૨૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ GSRTC મોબાઇલ એપ દ્વારા સમગ્ર દિવસ દરમિયાન કુલ ૮૮,૬૨૬ મુસાફરોએ પોતાની મુસાફરી માટે એડવાન્સ ટિકિટ બુક કરાવી છે. નિગમના ઇતિહાસમાં મોબાઇલ એપ્લિકેશન થકી એક જ દિવસમાં થયેલું આ અત્યાર સુધીનું સર્વોચ્ચ બુકિંગ છે.
આ ઐતિહાસિક આંકડા સાથે અગાઉ નોંધાયેલા રેકોર્ડ ની વાત કરીએ તો તા. ૦૪ નવેમ્બર ૨૦૨૪ એ ૮૫,૨૪૭ ટિકિટ બુકિંગ અને તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૫ એ ૮૫,૨૦૫ ટિકિટ બુકિંગ નોંધાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે GSRTC દ્વારા મુસાફરોને બસ સ્ટેન્ડ પર લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળે તે હેતુથી ‘GSRTC Ticket Booking’ અને બસના ચોક્કસ સમય-લોકેશનની માહિતી માટે ‘GSRTC Track Live’ જેવી આધુનિક મોબાઇલ એપ્સ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.


