- સિવિલ હોસ્પિટલમાં કડક સિક્યુરિટીના દાવાની ભૂવાની હરકતથી પોલ ખૂલી,
- ભૂવાએ જ સાશ્યલ મિડિયામાં વિડિયો વાયરલ કર્યો,
- ભૂવો કહે છે, ડોક્ટરથી નહીં તેના ચમત્કારથી નવજીવન મળે છે
અમદાવાદઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં આઈસીયુમાં જઈને દર્દી પર ધાર્મિક વિધી કરતો ભૂવાનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. થોડા દિવસ પહેલા જ નવલસિંહ ચાવડા નામના ભૂવાની ધરપકડ કરાઈ હતી. આ ભુવાએ પોતાની વાતોમાં ફસાવીને એક- બે લોકોની નહીં પરંતુ 12-12 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ. આ ઘટના હજી લોકોના મગજમાંથી ગઈ નથી ત્યારે અમદાવાદના વધુ એક ભુવાએ પોત પ્રકાશ્યું છે. નિકોલના મુકેશ ભુવાજીના નામથી ઓળખાતો ભૂવો લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યો છે. આ ભુવો એવો દાવો કરી રહ્યો છે કે, તે હોસ્પિટલના આઈસીયુમાં જે દર્દીઓ હોય અને ડોક્ટરોથી કાંઈ નહીં થાય તેવું જણાવી દીધું હોય ત્યારે તેના ‘ચમત્કાર’થી દર્દીઓને નવજીવન મળે છે.
એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં સારવાર લઈ રહેલા દર્દી પાસે પહોંચી એક ભૂવાએ વિધિ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. સિવિલ હોસ્પિટલની સુરક્ષા માટે સિક્યુરિટી પાછળ વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરાતો હોવા છતા ભૂવો બિન્દાસ્ત આઈસીયુ સુધી પહોંચી જતા સવાલો ઉઠ્યા છે.
હાલ અમદાવાદના એક ભુવાનો વીડિયો ઘણો જ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આઈસીયુ તથા અન્ય હોસ્પિટલોમાં જઈને ભુવાએ દર્દીની વિધિ કરી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વાયરલ વીડિયોમાં ડોક્ટરની દવાથી નહિ ભુવાની વિધિથી દર્દી સાજા થયા હોવાનું લોકો દાવો કરી રહ્યા છે. આ વાયરલ વીડિયો વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. હોસ્પિટલમાં સઘન સિક્યોરિટી વચ્ચે ભુવો આઈસીયુમાં કેવી રીતે પહોંચ્યો એ પણ એક મોટો સવાલ છે. વેન્ટિલેટર પર રહેલા દર્દીની ભુવાએ રીતસરની અગરબતી લઈને વિધિ કરી હતી. આ વિધિ તો કરી એનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો છે. આ બનાવ અંગે સિવિલ સુપરિટેન્ડેન્ટ રાકેશ જોશી જણાવ્યુ હતુ, કે, આવા વ્યક્તિ દર્દીના સગા તરીકે ઓળખ આપીને આઈસીયુ સુધી પહોંચી જતા હોય છે, સુરક્ષા વ્યવસ્થા મજબૂત છે કે, જો કોઈ વ્યક્તિ પાસે પાસ ન હોય તો તે તેમના સગા કે દર્દી પાસે જઇ શકતું નથી. આ વીડિયોનો સમય છે તે પણ રાત્રિનો લાગી રહ્યો છે. આ માણસ રાત્રિના સમયે ICUમાં જાય છે તેવું લાગે છે.