
- 2376 ભાડુઆત પાસેથી મ્યુનિ.ને રૂ. 2 કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે,
- માત્ર મધ્ય અને ઉત્તર ઝોનમાં 1613 મિલકતધારકો પાસેથી 16 કરોડની વસુલાત બાકી,
- એએમસીના સત્તાધિશો માત્ર નોટિસ આપીને સંતોષ માને છે
અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની માલિકીને ઘણી મિલક્તો ભાડે આપેલી છે. જેમાં 2376 ભાડૂઆતો છેલ્લા ઘણા સમયથી મ્યુનિને ભાડુ ચુકવતા નથી. મ્યુનિ.ની માલિકીની ભાડે આપેલી 2376 મિલકતોના ભાડુઆત પાસેથી મ્યુનિ.ને રૂ. 2 કરોડ જેટલી રકમ લેવાની નીકળે છે. બાકી બાડુ ન ચુકવતા ભાડુઆતોને એએમસી દ્વારા માત્ર નોટિસ આપીને સંતોષ માનવામાં આવે છે. પણ ભાડુઆતો સામે કાયદાકીય કે સિલિંગના કોઈ પગલાં લેવામાં આવતા નથી. શહેરમાં જ્યાં એક તરફ પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવી શકનાર મિલકતધારકોની મિલકતોની હરાજી કરીને પણ મ્યુનિ. પોતાની લેણી રકમ વસૂલી લે છે. જ્યારે મ્યુનિ.ની માલિકીની ભાડે આપેલી 2376 મિલકતોના ભાડુઆત સામે કોઇ આક્રમક પગલા લેતી નથી.
મ્યુનિ.ની માલીકીની વિવિધ મિલકતો વર્ષો અગાઉ ભાડે અપાયા બાદ આ મિલકતોના કબજેદારો ભાડું આપવાની પણ તસ્દી લેતા નથી. 63 ટકા કબજેદારોએ ભાડું આપવાની પણ તસ્દી લીધી નથી. જોકે તેમ છતાં મ્યુનિ. દ્વારા આવા કબજેદારો સામે કોઇ આક્રમક પગલા લેવામાં આવતા નથી. શહેરમાં સૌથી વધારે મિલકતો મધ્ય ઝોનમાં છે જ્યાં મ્યુનિ. દ્વારા આ મિલકતો ભાડાપટ્ટે આપી હોય અને મધ્ય ઝોનમાં 70 ટકા કબજેદારો દ્વારા મ્યુનિ.ની આવી મિલકતોનું ભાડું આપવાની તસ્દી પણ લેવામાં આવતી નથી.
શહેરના ઉ.પશ્ચિમ અને દ.પશ્ચિમઝોનમાં મ્યુનિ. દ્વારા ભાડે અપાયેલી મિલકતો નથી જેથી ત્યાં આવી મિલકતો નથી. માત્ર શહેરના અગાઉના 5 ઝોનમાં મોટી સંખ્યામાં મિલકતોને ભાડે આપી છે. જે ભાડું પણ વસૂલાતું નથી. શહેરમાં વિવિધ મિલકતો પાસેથી બાકી નિકળતાં 1.97 કરોડ પૈકી 1.61 કરોડ જેટલી મોટી રકમ તો માત્ર ઉત્તર ઝોનમાં અને મધ્ય ઝોનમાં જ લેણી નીકળે છે. એટલે કે 81 ટકા રકમ તો માત્ર આ બે ઝોનમાં જ લેણી નીકળે છે. મ્યુનિ. દ્વારા અનેક દુકાનો, જગ્યાઓ સહિતની મિલકતો ભાડા પટ્ટે આપી છે. જોકે તે મિલકતોનો ભોગવટો કરતાં ભાડુઆતો તેનું ભાડું ચૂકવતા નથી.