
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે (22 એપ્રિલ, 2025) જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે, ‘આ હુમલામાં જે પણ સામેલ હશે તેને બક્ષવામાં આવશે નહીં. આતંકવાદીઓના નાપાક ઇરાદા ક્યારેય સફળ થશે નહીં.’
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાની હું શખ્ત નિંદા કરું છું. જે લોકોએે પોતાના પ્રિયજનોને ખોયા છે, તેમના પ્રતિ સંવેદના વ્યક્ત કરુ છું. હું પ્રાર્થના કરુ છું કે, ઘાયલ લોકો જલ્દી સ્વસ્થ થાય. જ્યારે પ્રથાવિત લોકોને દરેક સહાયતા ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.’
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘આ ઘૃણાસ્પદ કૃત્ય કરનારા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમને બક્ષવામાં આવશે નહીં. તેમનો આતંકવાદી એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. આતંકવાદ સામે લડવાનો આપણો સંકલ્પ અટલ છે અને તે વધુ મજબૂત બનશે.’
પહલગામમાં આતંકી હુમલાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરીને સમગ્ર જાણકારી મેળવી હતી. જ્યારે સમગ્ર ઘટનાને પગલે વડાપ્રધાન મોદીએ જરૂરી પગલા લેવા માટે સૂચના આપી છે. અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના થયા છે. આતંકી હુમલાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાઈલેવલની બેઠક બોલાવી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું હતું કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાથી હું દુઃખી છું. મારી સંવેદનાઓ મૃતકોના પરિવારના સભ્યો સાથે છે. આ જઘન્ય આતંકવાદી હુમલામાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં અને અમે ગુનેગારો સામે કડક કાર્યવાહી કરીશું અને તેમને કડકમાં કડક સજા આપીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી અને તેમણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. હું ટૂંક સમયમાં શ્રીનગર જવા રવાના થઈશ, જેથી તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક કરી શકાય.’
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ હુમલાની નિંદા કરી અને ‘X’ પર લખ્યું હતું કે, ‘જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ દુઃખ થયું. નિર્દોષ નાગરિકો પરનો આ હુમલો કાયરતાપૂર્ણ અને અત્યંત નિંદનીય છે. મારી સંવેદના અને પ્રાર્થના નિર્દોષ પીડિતો અને તેમના પરિવારો સાથે છે.’