
સંભલમાં જામા મસ્જિદના રંગરોગાનની અલ્હાબાદ હાઈકોર્ટે આપી પરવાનગી
લખનૌઃ અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની સમિતિને મસ્જિદની બહારની દિવાલો રંગવાની પરવાનગી અપાઈ છે. કોર્ટે મસ્જિદ સમિતિની દલીલને આંશિક રીતે સ્વીકારી અને આદેશ આપ્યો કે રંગકામ ફક્ત મસ્જિદની બાહ્ય દિવાલો પર જ કરી શકાય.
હાઈકોર્ટે કહ્યું કે બાહ્ય દિવાલો પર પણ લાઈટિંગ લગાવી શકાય છે, પરંતુ આ કામ કોઈપણ માળખાને નુકસાન પહોંચાડ્યા વિના થવું જોઈએ. મસ્જિદ સમિતિએ અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે પેઈન્ટિંગ કરાવવાની પરવાનગી માંગી હતી. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે એક અઠવાડિયામાં કામ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો.
અગાઉ, અલ્હાબાદ હાઈકોર્ટે મસ્જિદને રંગવાની પરવાનગી આપવાનો ઈનકાર કર્યો હતો. જામા મસ્જિદ કેસમાં મુસ્લિમ પક્ષે પેઈન્ટિંગની માંગણી કરી હતી. વાસ્તવમાં, મસ્જિદ સમિતિ વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં તેમણે મસ્જિદને રંગવાની પરવાનગી માંગી હતી, જેના પર હાઈકોર્ટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને રિપોર્ટ રજૂ કરવા કહ્યું હતું.