
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકી સંસદને સંયુક્ત સત્રમાં સંબોધિત કરતી વખતે પોતાની પીઠ થપથપાવી અને કહ્યું કે અમેરિકાનો સુવર્ણ યુગ પાછો ફર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે તેમણે 43 દિવસમાં તે કરી બતાવ્યું જે અત્યાર સુધી કોઈ સરકાર કરી શકી નથી.
ટ્રમ્પે કહ્યું કે, “6 અઠવાડિયા પહેલા, હું આ કેપિટોલના ગુંબજ નીચે ઊભો હતો અને કહ્યું હતું કે અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ રહ્યો છે. ત્યારથી, અમે દેશના ઈતિહાસમાં સૌથી સફળ અને ગૌરવશાળી સમયગાળો લાવવા માટે, અટક્યા વગર ઝડપી ગતિએ કામ કર્યું છે. છેલ્લા 43 દિવસમાં અમે જે કર્યું છે તે ઘણી સરકારો ઘણા વર્ષોથી કરી શકી નથી. અમેરિકા પાછું આવ્યું છે. આ તો ફક્ત શરૂઆત છે.”
ટ્રમ્પે વધુમાં કહ્યું કે, “હું આજે રાત્રે હાઉસ ચેમ્બરમાં તમને કહેવા માટે પાછો ફરી રહ્યો છું કે અમેરિકાની તાકાત પાછી આવી છે, આપણો ગર્વ પાછો આવ્યો છે, આપણો આત્મવિશ્વાસ ફરી ઊંચો થયો છે, અમેરિકા હવે પહેલા કરતાં વધુ મોટું અને સારું છે.”
ટ્રમ્પે 100 એક્ઝિક્યુટિવ ઓર્ડરનો પણ ઉલ્લેખ કર્યો. કહ્યું “મેં 6 અઠવાડિયા પહેલા પદ સંભાળ્યા પછી લગભગ 100 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે અને 400 થી વધુ એક્ઝિક્યુટિવ પગલાં લીધાં છે,” તેમણે કહ્યું. તેમના મતે, જ્યોર્જ વોશિંગ્ટનનો કાર્યકાળ ‘નંબર બે’ હતો, જ્યારે તેમનો કાર્યકાળ ટોચ પર છે.
ટ્રમ્પે જો બિડેનને અમેરિકાના અત્યાર સુધીના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ ગણાવ્યા. તેમણે કહ્યું, ‘મેં દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી અને આપણા દેશ પર હુમલો અટકાવવા માટે યુએસ આર્મી અને બોર્ડર પેટ્રોલ તૈનાત કર્યા.’ જો બિડેન અમેરિકન ઈતિહાસના સૌથી ખરાબ રાષ્ટ્રપતિ હતા. તેમના કાર્યકાળ દરમિયાન, દર મહિને લાખો ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં પ્રવેશતા હતા. ટ્રમ્પે ડેમોક્રેટિક સાંસદો તરફ જોતા કહ્યું, ‘મને ખબર છે કે હું અહીં ગમે તે કહું, તેઓ ખુશ નહીં થાય, ઊભા નહીં થાય, સ્મિત નહીં કરે, તાળીઓ નહીં પાડે.’