પાકિસ્તાન-અફઘાન તણાવ વચ્ચે તાલિબાન પાસે 10 લાખથી વધુ હથિયારોનો ભંડાર હોવાનો ખુલાસો
પાકિસ્તાન અને તાલિબાન શાસિત અફગાનિસ્તાન વચ્ચે વધતા તણાવને શમાવવા તુર્કીના ઇસ્તાનબુલ શહેરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં પાકિસ્તાન, તાલિબાન, તુર્કી અને કતરના પ્રતિનિધિઓ હાજર છે. આ દરમિયાન તાલિબાનના હથિયારોની વિગતવાર યાદી જાહેર થતાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. તાલિબાનના સુરક્ષા સૂત્રોના આધારે જાહેર કરાયેલી આ યાદી મુજબ, તાલિબાન પાસે આશરે 10 લાખથી વધુ હળવા હથિયારો છે જેમાંથી મોટાભાગના હથિયારો તેને અમેરિકા અને રશિયા પાસેથી મળ્યા છે.
રિપોર્ટ મુજબ, તાલિબાને ત્રણ રીતે હથિયારો એકત્રિત કર્યા છે, અમેરિકી દળો જ્યારે અફગાનિસ્તાન છોડીને ગયા, ત્યારે તેમણે મોટી સંખ્યામાં હથિયારો ત્યાં જ છોડી દીધા હતા. તે હથિયારો બાદમાં તાલિબાનના હાથમાં આવી ગયા. આ ઉપરાંત સોવિયેત યુગના હથિયારો પણ હજુ અફગાનિસ્તાન પાસે છે. તેમજ તાલિબાને બ્લેક માર્કેટ મારફતે પણ ઘણા હથિયારો મેળવ્યા છે.
તાલિબાન પાસે કલાશ્નિકોવ, અમેરિકી M-16, M-4, M-29 લાઇટ મશીન ગન, પિકા M-2 અને M-240 હેવી મશીન ગન છે. તેમ જ ગ્રેનેડ લોન્ચર, RPG-7 રોકેટ અને એન્ટી-ટેંક મિસાઇલ્સ પણ છે. ભારે હથિયારોમાં 122 મીમી D-30 હાઉવિઝર તોપો, લગભગ 50 જેટલા 155 મીમી મોર્ટાર અને ZT-2-23 જેવા રશિયન હથિયારોનો સમાવેશ થાય છે. મિસાઇલ સિસ્ટમમાં સ્કડ, R-17, R-300 એલ્બ્રસ અને લૂના (ફ્રોગ-7) મિસાઇલો છે. R-300 એલ્બ્રસની મારક ક્ષમતા 300 કિમી સુધીની છે. તેમ છતાં, તાલિબાન વાયુયુદ્ધ (એર ફોર્સ) ક્ષેત્રમાં નબળું છે, તેની પાસે એકપણ ફાઇટર જેટ નથી.
રિપોર્ટ અનુસાર, તાલિબાનના લડવૈયાઓ ગોરિલા યુદ્ધની પ્રેક્ટિસ કરી રહ્યા છે અને આ ક્ષેત્રમાં તેઓ નિષ્ણાત માનવામાં આવે છે. તાલિબાને ભૂતકાળમાં અમેરિકા અને સોવિયેત યુનિયનને પણ આ જ પ્રકારના યુદ્ધથી પછાડ્યા હતા. હાલ પાકિસ્તાન સાથેના સંબંધોમાં તણાવ ચરમસીમાએ પહોંચતા, તાલિબાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાનને અમેરિકા અને રશિયાથી શીખ લેવાની સલાહ આપી હતી.


