
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શનિવારથી બે દિવસના અમદાવાદ પ્રવાસ પર આવવાના છે. ગુજરાત ભાજપના એક નિવેદનમાં જણાવાયું છે કે, તેમની મુલાકાત દરમિયાન, શાહ 10 જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે, જેમાં વૃક્ષારોપણ અભિયાન, ગણેશ મહોત્સવ ઉજવણી, વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને તેમના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં જાહેર સભાનો સમાવેશ થાય છે. અમિત શાહ શનિવારે સાંજે અમદાવાદ પહોંચવાના છે . મોડી સાંજે તેઓ શહેરના જોધપુર અને વસ્ત્રાપુર વિસ્તારમાં બે જાહેર ગણેશ મહોત્સવ કાર્યક્રમોની મુલાકાત લેશે.
રવિવારે કેન્દ્રીય મંત્રી આઠ જાહેર કાર્યક્રમોમાં ભાગ લેશે. આ કાર્યક્રમોમાં ત્રણ વૃક્ષારોપણ કાર્યક્રમો, પુનર્વિકાસિત બગીચાનું ઉદ્ઘાટન અને શહેરી આરોગ્ય કેન્દ્રોની બે નવી બનેલી ઇમારતો, અમદાવાદ શહેરમાં ભદ્રકાળી દેવીના મંદિરની મુલાકાત અને ગાંધીનગર શહેરમાં એક જાહેર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન શામેલ છે. ગાંધીનગર કાર્યક્રમમાં શાહ એક જાહેર સભાને પણ સંબોધિત કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, અમિત શાહની બે દિલસની ગુજરાત મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખના પદ અને મંત્રીમંડળના વિસ્તરણ અંગે અટકળો તેજ બની છે. આ મુલાકાત દરમિયાન તેઓ રાજ્યના રાજકીય નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે.