
- તબીબો નવા તૈયાર થનારા સેન્ટરમાં તાલીમ લઈ શકશે
- હેલ્થ કેર રિસર્ચ સેન્ટર માટે એક કરોડનો ખર્ચ કરાશે
- કેન્સર અને હ્રદયની વિવિધ સમસ્યા આધારીત રિસર્ચ કરાશે
ગાંધીનગરઃ ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) અવનવા સંશોધન માટે જાણીતી છે. ત્યારે જીટીયુમાં હવે સંશોધન માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે. હાલમાં રજૂ થયેલા જીટીયુ બજેટમાં સેન્ટર તૈયાર કરવા માટે એક કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટર તૈયાર કરાશે. આ સેન્ટરમાં કેન્સર અને હ્રદયની વિવિધ સમસ્યા આધારીત રિસર્ચ કરાશે. સાથે જ કેન્સર અને હ્રદય રોગની સમસ્યાઓ અંગે અગાઉ જાણકારી મળી શકે તેવા પહેરી શકાય તેવા ડિવાઇઝને તૈયાર કરવા માટેના રિસર્ચ હાથ ધરાશે. ખાસ કરીને આ બંને સમસ્યાઓમાં અગાઉથી દર્દીઓને જાણ કરી શકાય તેવું ડિવાઇસ તૈયાર કરાશે.
જીટીયુ દ્વારા નવા શૈક્ષણિક વર્ષ 2025-26 માટેના બજેટની જાહેરાત કરાઇ હતી. ખાસ હેલ્થકેરમાં એઆઇનો કઇ રીતે ઉપયોગ થઇ શકે અને ભવિષ્યના પડકારોને ધ્યાને લઇને સેન્ટર શરુ કરાશે. જે લોકો હ્રદય રોગ અને કેન્સરના પ્રાથમિક લક્ષણોમાંથી પસાર થઇ રહ્યાં હોય તેઓ માટે ભવિષ્યમાં કેવા પડકારો હોઇ શકે તેની માહિતી પહેલાથી જ લોકોને આપી શકાશે. આ માટે નેશનલ અને ઇન્ટરનેશનલ એક્સપર્ટની પણ મદદ લેવાશે. નવા સેન્ટરમાં સર્ટિફિકેટ કોર્સની સાથે વિવિધ ટ્રેનિંગ પ્રોગ્રામ પણ શરુ કરાશે. નવા બજેટમાં 1 કરોડની ફાળવણી કરવામાં આવી છે. સેન્ટરમાં એક્સપર્ટની સાથે ડોક્ટરોને પણ રિસર્ચ માટેની તક અપાશે. વિદ્યાર્થીઓ માટે સર્ટિફિકેટ કોર્સ પણ શરુ કરાશે. જેથી વિદ્યાર્થીઓને એઆઇનો હેલ્થ કેરમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની માહિતી પણ મળશે.
સૂત્રોના જણાવ્યા મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત હેલ્થ કેર રિસર્ચ સેન્ટરમાં યોગ્ય રીતે રિસર્ચ થઇ શકે તે માટે રાજ્યની તમામ કેન્સર અને હાર્ટની સરકારી હોસ્પિટલો સાથે એમઓયુ થશે. જેથી હોસ્પિટલોના ડેટા અનાલિસીસ અને કેસ સ્ટડી કરી થઇ શકે. કોઇપણ મોટી બિમારી માટે તેનું કારણ મહત્વનું હોય છે. આ સેન્ટર દ્વારા તેની માહિતી એકઠી કરાશે. જેને આધારે આગામી સમયમાં યોગ્ય રીસર્ચ થઇ શકશે