
- વર્ષ 2021માં આણંદ એપીએમસીની ચૂંટણી યોજાઈ હતી,
- કેટલાક ઉમેદવારો હાઈકોર્ટમાં જતા જિલ્લા રજિસ્ટ્રારને ચાર્જ સોંપાયો હતો,
- ભાજપના આંતરિક વિવાદને કારણે એપીએમસીનો વહીવટ ગુમાવવાનો વારો આવ્યો હતો,
અમદાવાદઃ આણંદ એપીએમસીમાં છેલ્લા 4 વર્ષથી વહિવટદારનું રાજ છે. શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓમાં મતભેદને કારણે વહિવટદારનું શાસન હોવાનો ગણગણાટ શરૂ થયો છે. હાઈકોર્ટમાં મેટરને કારણે છેલ્લા ચાર વર્ષથી જિલ્લા રજિસ્ટ્રારને વહીવટ સોંપાયો હતો. હાલ નવી ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જોકે આણંદના ભાજપના ધારાસભ્ય, સાંસદ સહિતના આગેવાનો સહકારી ક્ષેત્રે નિષ્ક્રિય હોવાનું કહેવાય છે.
આણંદ જિલ્લામાં ત્રણ કરોડનું ટર્નઓવર ધરાવતી એપીએમસીનો વહીવટ જિલ્લા રજિસ્ટ્રારના હાથમાં સોંપાયો હતો. વર્ષ 2021માં આણંદ એપીએમસીની ચૂંટણી યોજવામાં આવી હતી. તત્કાલિન સમયે ચૂંટણીમાં વેપારી વિભાગ, ખરીદ વિભાગ અને ખેડૂત વિભાગના ઉમેદવારો સામે હાઈકોર્ટ મેટર બની હોવાને કારણે એપીએમસીનો વહીવટ આણંદ જિલ્લા રજિસ્ટ્રારને સોંપાયો હતો. અગાઉ ભરતભાઈ સુરેશભાઈ પટેલ વર્ષ 2021માં તેમની ચેરમેન તરીકેની ટર્મ પુરી થતા નવુ ઈલેક્શન વર્ષ 2021માં જાહેર થયું હતું. તે ઈલેક્શનમાં ભાજપના આંતરિક વિવાદને કારણે એપીએમસીનો વહીવટ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ અંગે ભાજપના પૂર્વ ચેરમેન ભરતભાઈ સુરેશભાઈ પટેલના કહેવા મુજબ ગાના, સંદેશર અને નાવલી મંડળીના સભ્યોને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા ખોટી રીતે ઉમેદવારી તેમજ મતદાન કરવા દેતા એપીએમસીના વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે હાઈકોર્ટ મેટર કરવી પડી હતી અને જે હાઈકોર્ટ મેટરને કારણે છેલ્લા ચાર વર્ષથી જિલ્લા રજિસ્ટ્રારને વહીવટ સોંપાયો હતો. હાલ નવી ચૂંટણી ટૂંક સમયમાં જાહેર કરવા માટે જિલ્લા રજિસ્ટ્રારને ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ છે. આ અંગે આણંદ એપીએમસીમાં હવે ઈલેક્શનના પડઘમ વાગી રહ્યા હોવાનું જોવા મળે છે.