1. Home
  2. ગુજરાતી
  3. આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી
આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી

આંધ્રપ્રદેશ ભવિષ્યની ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી આવશેઃ પ્રધાનમંત્રી

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમમાં રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિકાસકાર્યોનો શિલાન્યાસ, ઉદઘાટન કર્યું હતું. ભગવાન સિંહચલામ વરાહ લક્ષ્મી નરસિંહ સ્વામીને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં મોદીએ કહ્યું હતું કે, 60 વર્ષ પછી લોકોનાં આશીર્વાદ સાથે દેશમાં સતત ત્રીજી વખત કેન્દ્ર સરકાર ચૂંટાઈ આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકારની રચના પછી સત્તાવાર રીતે આંધ્રપ્રદેશમાં આ તેમનો પ્રથમ કાર્યક્રમ હતો. મોદીએ આ કાર્યક્રમ અગાઉ રોડ શો દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવા બદલ લોકોનો આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેમણે તેમનાં ભાષણ દરમિયાન શ્રી ચંદ્રાબાબુ નાયડુનાં દરેક શબ્દ અને લાગણીની ભાવનાનું સન્માન કર્યું હતું.

મોદીએ કહ્યું હતું કે, “આપણું આંધ્રપ્રદેશ શક્યતાઓ અને તકોનું રાજ્ય છે.” તેમણે નોંધ્યું હતું કે, જ્યારે આ શક્યતાઓ સાકાર થશે, ત્યારે આંધ્રપ્રદેશનો વિકાસ થશે અને ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશનો વિકાસ એ અમારું વિઝન છે અને આંધ્રપ્રદેશનાં લોકોની સેવા કરવી એ અમારી કટિબદ્ધતા છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશે વર્ષ 2047 સુધીમાં 2.5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. તેમણે નોંધ્યું હતું કે, આ વિઝનને સાકાર કરવા શ્રી ચંદ્રાબાબુ નાયડુની સરકારે ‘સ્વર્ણ આંધ્ર@2047’ પહેલ શરૂ કરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દરેક લક્ષ્યાંક હાંસલ કરવા આંધ્રપ્રદેશ સાથે ખભેખભો મિલાવીને કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર લાખો કરોડનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટ્સમાં આંધ્રપ્રદેશને વિશેષ પ્રાથમિકતા આપી રહી છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે રૂ. 2 લાખ કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થયું છે અને તેમણે આંધ્રપ્રદેશનાં લોકોને અને સમગ્ર દેશનાં લોકોને આ વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન આપ્યાં છે.

આંધ્રપ્રદેશ તેની નવીન પ્રકૃતિને કારણે આઇટી અને ટેકનોલોજીનું મહત્ત્વપૂર્ણ કેન્દ્ર છે એ બાબત પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “હવે આંધ્રપ્રદેશ માટે ભવિષ્યની ટેકનોલોજીઓનું કેન્દ્ર બનવાનો સમય આવી ગયો છે.” તેમણે ગ્રીન હાઇડ્રોજન જેવી ઉભરતી ટેકનોલોજીમાં અગ્રણી બનવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનની શરૂઆત વર્ષ 2023માં થઈ હતી, જેનો ઉદ્દેશ વર્ષ 2030 સુધીમાં 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન કરવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, પ્રારંભિક તબક્કામાં બે ગ્રીન હાઇડ્રોજન હબ સ્થાપિત કરવામાં આવશે, જેમાંથી એક વિશાખાપટ્ટનમમાં હશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વિશાખાપટ્ટનમ વૈશ્વિક સ્તરે એવા કેટલાક શહેરોમાં સામેલ થશે, જ્યાં મોટા પાયે ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન સુવિધાઓ ઉપલબ્ધ થશે. તેમણે પ્રકાશ પાડ્યો કે આ ગ્રીન હાઇડ્રોજન હબ આંધ્રપ્રદેશમાં રોજગારની અસંખ્ય તકો ઉભી કરશે અને મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ વિકસિત કરશે.

મોદીએ નોંધ્યું હતું કે, તેમને નક્કાપલ્લીમાં બલ્ક ડ્રગ પાર્ક પ્રોજેક્ટ માટે શિલારોપણ કરવાની તક મળી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંધ્રપ્રદેશ દેશનાં એ ત્રણ રાજ્યોમાંનું એક છે, જ્યાં આ પ્રકારનાં પાર્કની સ્થાપના થઈ રહી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ પાર્ક ઉત્પાદન અને સંશોધન માટે ઉત્કૃષ્ટ માળખાગત સુવિધા પ્રદાન કરશે, જેથી સ્થાનિક ફાર્મા કંપનીઓને લાભ થશે, ત્યારે રોકાણકારોનો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, સરકાર શહેરીકરણને એક તક તરીકે જુએ છે અને તેનો ઉદ્દેશ આંધ્રપ્રદેશને નવા યુગના શહેરીકરણનું ઉદાહરણ બનાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, આ વિઝનને સાકાર કરવા માટે આજે ક્રિષ્નાપટ્ટનમ ઔદ્યોગિક વિસ્તાર કે જે ક્રિસ સિટી તરીકે પણ ઓળખાય છે, તેના માટે શિલારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે નોંધ્યું હતું કે, આ સ્માર્ટ સિટી ચેન્નાઈ-બેંગાલુરુ ઔદ્યોગિક કોરિડોરનો ભાગ બનશે, જે હજારો કરોડનાં રોકાણને આકર્ષશે અને આંધ્રપ્રદેશમાં લાખો ઔદ્યોગિક રોજગારીનું સર્જન કરશે.

શ્રી સિટીને ઉત્પાદનનાં કેન્દ્ર સ્વરૂપે આંધ્રપ્રદેશને અગાઉથી જ લાભ મળી રહ્યો છે એ બાબત પર ભાર મૂકીને મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઔદ્યોગિક અને ઉત્પાદન ક્ષેત્રમાં આંધ્રપ્રદેશને દેશનાં ટોચનાં રાજ્યોમાં સ્થાન મળે એ માટેનો ઉદ્દેશ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર ઉત્પાદન સાથે સંબંધિત પ્રોત્સાહન (પીએલઆઈ) યોજના જેવી પહેલો મારફતે ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહી છે, જેના પરિણામે વિવિધ ઉત્પાદનોનાં ઉત્પાદન માટે ભારતની ગણના વિશ્વના ટોચના દેશોમાં થાય છે.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, દક્ષિણ તટીય રેલવે ઝોનનાં મુખ્યમથકો માટે નવા શહેર વિશાખાપટ્ટનમમાં શિલારોપણ કરવામાં આવ્યું હતું. તેમણે આંધ્રપ્રદેશ માટે આ વિકાસનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેણે લાંબા સમયથી અલગ રેલવે ઝોનની માગ પૂર્ણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાઉથ કોસ્ટ રેલવે ઝોનનાં મુખ્યાલયની સ્થાપનાથી આ વિસ્તારમાં કૃષિ અને વેપારી પ્રવૃત્તિઓનું વિસ્તરણ થશે તથા પ્રવાસન અને સ્થાનિક અર્થતંત્ર માટે નવી તકો ઉપલબ્ધ થશે. તેમણે હજારો કરોડનાં મૂલ્યનાં કનેક્ટિવિટી પ્રોજેક્ટનાં ઉદઘાટન અને શિલાન્યાસનો ઉલ્લેખ પણ કર્યો હતો. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, 100 ટકા રેલવેનું વિદ્યુતીકરણ ધરાવતાં રાજ્યોમાં આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે અને અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 70થી વધારે રેલવે સ્ટેશનો વિકસાવવામાં આવ્યાં છે. તેમણે આંધ્રપ્રદેશના લોકો માટે મુસાફરીની સરળતા માટે સાત વંદે ભારત ટ્રેનો અને અમૃત ભારત ટ્રેનનું સંચાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશમાં શ્રેષ્ઠ કનેક્ટિવિટી અને સુવિધાઓ સાથેની માળખાગત ક્રાંતિ રાજ્યનાં પરિદ્રશ્યમાં પરિવર્તન લાવશે.” તેમણે નોંધ્યું હતું કે, આ વિકાસથી જીવનની સરળતા અને વેપાર-વાણિજ્ય કરવાની સરળતામાં વધારો થશે, જે આંધ્રપ્રદેશના 2.5 ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનો પાયો બનશે.

વિશાખાપટ્ટનમ અને આંધ્રપ્રદેશનો દરિયાકિનારો સદીઓથી ભારતના વેપાર માટે પ્રવેશદ્વાર છે અને તે નોંધપાત્ર મહત્વ ધરાવે છે તેની નોંધ લઈને પ્રધાનમંત્રીએ દરિયાઈ તકોનો સંપૂર્ણ ઉપયોગ કરવા યુદ્ધના ધોરણે વાદળી અર્થતંત્રને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે મત્સ્યપાલન સાથે સંકળાયેલા લોકોની આવક અને વ્યવસાયમાં વધારો કરવા વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના આધુનિકીકરણ પર ભાર મૂક્યો હતો. તેમણે માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધાઓની જોગવાઈ અને દરિયાઈ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ દરેક ક્ષેત્રમાં સર્વસમાવેશક અને સંપૂર્ણ વિકાસ માટે સરકારની કટિબદ્ધતા પર ભાર મૂક્યો હતો, જેથી વિકાસનો લાભ સમાજનાં તમામ વર્ગો સુધી પહોંચે એ સુનિશ્ચિત થાય. તેમણે સમૃદ્ધ અને આધુનિક આંધ્રપ્રદેશના નિર્માણ માટે કેન્દ્ર સરકારની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ સંબોધનનું સમાપન કરતાં આંધ્રપ્રદેશના લોકોની સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે આજે ઉદઘાટન થઈ રહેલા વિવિધ પ્રોજેક્ટ બદલ સૌને અભિનંદન આપ્યાં હતાં.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code