
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે વિદેશ જનારા સાત સર્વપક્ષીય સંસદીય પ્રતિનિધિમંડળોમાં સમાવિષ્ટ તમામ સભ્યોના નામોને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. આ પ્રતિનિધિમંડળો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો અને અન્ય મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે અને તેમને દેશની આતંકવાદ વિરોધી નીતિ, લશ્કરી કાર્યવાહી અને ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપશે.
માહિતી મુજબ ગ્રુપ 1 નું નેતૃત્વ ભાજપના સાંસદ બૈજયંત પાંડા કરશે અને પ્રતિનિધિમંડળ સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન અને અલ્જેરિયાની મુલાકાત લેશે. આ પ્રતિનિધિમંડળમાં ભાજપના સાંસદ નિશિકાંત દુબે, ફાંગન કોન્યક અને રેખા શર્મા તેમજ AIMIMના અસદુદ્દીન ઓવૈસી, નામાંકિત સાંસદ સતનામ સિંહ સંધુ અને વરિષ્ઠ રાજકારણી ગુલામ નબી આઝાદનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ વિદેશ સચિવ અને રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલા પણ આ જૂથનો ભાગ છે.
ભાજપના રવિશંકર પ્રસાદના નેતૃત્વમાં ગ્રુપ 2, યુકે, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્કની મુલાકાત લેશે. પ્રતિનિધિમંડળમાં ટીડીપીના દગ્ગુબતી પુરંદેશ્વરી, શિવસેના (યુબીટી)ના પ્રિયંકા ચતુર્વેદી, નામાંકિત સાંસદ ગુલામ અલી ખટાના, કોંગ્રેસના સાંસદ અમર સિંહ, ભાજપના સમિક ભટ્ટાચાર્ય અને પૂર્વ મંત્રી એમજે અકબરની સાથે ભૂતપૂર્વ ડેપ્યુટી એનએસએ પંકજ સરનનો સમાવેશ થાય છે.
JDU સાંસદ સંજય કુમાર ઝાના નેતૃત્વ હેઠળનું ગ્રુપ 3 ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોરની મુલાકાત લેવાનું આયોજન છે. તેના સભ્યોમાં ભાજપના સાંસદ અપરાજિતા સારંગી, બ્રિજ લાલ, પ્રદાન બરુઆ અને હેમાંગ જોશી, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ યુસુફ પઠાણ, સીપીઆઈ(એમ)ના સાંસદ જોન બ્રિટાસ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સલમાન ખુર્શીદનો સમાવેશ થાય છે. રાજદૂત મોહન કુમાર નિષ્ણાત તરીકે જૂથ સાથે રહેશે.