અમદાવાદ, 7 એપ્રિલ 2026: Rainy weather in full summer ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યાના વાવડ મળ્યા છે. આજે 20 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં અરવલ્લીના સાઠંબા, ગાંધીનગરના માણસા, ભાવનગર, હિંમતનગર, મોડાસા, ઉમરેઠ, વિસનગર, વડનગર, ભાવનગરના ઘોઘા, અરવલ્લીના બાયડ, તેમજ ગોધરા, ઈડર, હારીજ, સમી, વિજયનગર, વડાલી, સોજીત્રા, ખંભાત, તલોદ, નડિયાદ અને જંબુસરમાં ભારે પવન સાથે વરસાદના ઝાપટાં પડ્યા હતા.
રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો છે. આજે બપોર બાદ 20 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક આવેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેતરમાં ઉભેલા પાકને લઈને ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ભારે પવનના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે.
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સહિતના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. પવન સાથે આવેલા આ વરસાદે જનજીવનને અસર કરી છે. મહેસાણાના વિસનગરમાં પણ અચાનક પવનના સુસવાટા સાથે વરસાદની શરૂઆત થઈ હતી. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ઉત્તર ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ભાવનગર શહેરમાં પણ ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જ્યારે અમદાવાદમાં પણ દિવસભર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
ખેડા જિલ્લાના માતરના ગ્રામીણ વિસ્તારો અને ભલાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે થયેલા આ માવઠાથી જનજીવન પ્રભાવિત થયું છે.જ્યારે આણંદના ખંભાત પંથકમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા ઘઉંના પાકને ભારે નુકસાન થવાની સંભાવના છે, જેને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.
નડિયાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું હતું. જોરદાર પવન સાથે વંટોળ ફૂંકાતા રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી હતી. વંટોળ બાદ અમી છાંટા શરૂ થતા ગરમીમાં આંશિક રાહત મળી હતી, જોકે થોડો સમય અંધકારમય માહોલ છવાઈ ગયો હતો. જ્યારે પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો આવ્યો હતો. જેમાં ગોધરા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો.


