ઠંડીનો રાઉન્ડ પુરો થતાં જ બે ઋતુનો અનુભવ થશે, તાપમાનમાં વધારો થવાની શક્યતા
અમદાવાદ, 3 ફેબ્રુઆરી 2026: ગુજરાતભરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉત્તરના પર્વતિય પ્રદેશોમાંથી ઉપરાછાપરી આવી રહેલા પશ્ચિમી વિક્ષોપની અસરના કારણે હવામાનમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ભરશિયાળે ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાઈ રહ્યો છે, તો કોઈ-કોઈ ઠેકાણે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.જેના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, ત્યારે હવામાનના આગાહીકારોના કહેવા મુજબ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠા, ઝાકળનો રાઉન્ડ બાદ ઠંડી વિદાય લેતા લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થશે. જો કે લોકોને બે ઋતુનો અનુભવ થશે.
હવામાનના ખાનગી આગાહીકારોના કહેવા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બનના કારણે સોમવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા. તેમજ રાજ્યના અન્ય ભાગોમાં વાદળો જોવા મળ્યા હતા. હવે આગામી દિવસોમાં એટલે કે આગામી 10 ફેબ્રુઆરી સુધી ગુજરાતમાં માવઠાની કોઈ શક્યતા નથી. આથી હાલ પુરતી ખેડૂતોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટા બાદ સોમવારે કમોસમી વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાતા જ કોડીનાર અને સુત્રાપાડા તાલુકાના અનેક ગામોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.
વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, છેલ્લા 3-4 દિવસથી ઝાકળનો રાઉન્ડ ચાલી રહ્યો હતો, જેમાં કાલથી મોટી રાહત મળશે. જો કે 8મી ફેબ્રુઆરીથી ઝાકળનો નવો રાઉન્ડ આવશે. જે 3 થી 4 દિવસ સુધી રહી શકે છે. રાજ્યમાં શિયાળું પવન રહેવાથી ઠંડી જોવા મળશે. આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી નીચું આવી શકે છે. જેના કારણે ઠંડીમાં સામાન્ય વધારો થઈ શકે છે, પરંતુ તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવવાની હાલ કોઈ શક્યતા નથી. શિયાળો હવે વિદાય લેવાનો હોવાથી સામાન્ય ઠંડી રહેશે. એટલે કે લઘુતમ તાપમાન નીચું અને મહત્તમ તાપમાન ઊંચુ જોવા મળશે. જેના કારણે દિવસના સમયે ગરમીના કારણે ઉનાળાનો અહેસાસ થશે, જ્યારે વહેલી સવારે અને રાતના સમયે સામાન્ય ઠંડીનો ચમકારો રહેશે આમ આગામી દિવસોમાં ડબલ ઋતુ જોવા મળશે.


