
એશિયા કપ ટ્રોફી વિવાદ: હવે નકવીએ વિજેતા ભારતીય ટીમને ટ્રોફી આપવા મામલે મુકી શરત
નવી દિલ્હી : એશિયા કપ 2025 જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના અધ્યક્ષ મોહસિન નકવી પાસેથી વિજેતા ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ નકવી ટ્રોફી પોતાના હોટેલ રૂમમાં લઈ ગયા હતા, જેના કારણે તેમના વર્તનની ભારે ટીકા થઈ રહી છે. હવે નકવીએ ભારતને ટ્રોફી આપવા સંમતિ દર્શાવી છે, પરંતુ સાથે એક ખાસ શરત મૂકી છે.
માહિતી મુજબ, મોહસિન નકવી ઈચ્છે છે કે ટ્રોફી ભારતીય ટીમને એક ‘ઔપચારિક સમારોહ’*માં આપવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જ વ્યક્તિગત રીતે ટ્રોફી તથા મેડલ ખેલાડીઓને પોતાના હાથથી આપશે. જોકે, ભારત-પાકિસ્તાન વચ્ચેના રાજકીય સંબંધોને ધ્યાનમાં લેતા, આવી વ્યવસ્થા થવાની સંભાવના ઓછી ગણાઈ રહી છે.
બીજી તરફ, BCCIના સચિવ દેવજીત સૈકિયાએ નકવીના વર્તન પર કડક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “અમે ACC અધ્યક્ષ, જે પાકિસ્તાનના એક મુખ્ય નેતા છે, તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો નિર્ણય કર્યો નથી. તેથી અમે તેમની પાસેથી તેને ક્યારેય સ્વીકારશું નહીં.” ભારતીય ટીમે જીત બાદ ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય રાજકીય તેમજ સંગઠનાત્મક સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે, જ્યારે નકવીની નવી શરતથી વિવાદ વધુ ઉગ્ર બનવાની શક્યતા છે.
દુબઈમાં એશિયા કપની ફાઈનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. ભારતને હરિફ પાકિસ્તાનને હરાવીને ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. જો કે, પીસીપીના ચેરમેન મોહસિન નકવી પાકિસ્તાનની શરીફ સરકારમાં મંત્રી છે, જેથી ભારતીય ટીમે તેમના હાથે ટ્રોફી સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ અન્ય મેમ્બરના હાથે ટ્રોફી સ્વિકારવાની તૈયારી દર્શાવી હતી. જો કે, એશિયન ક્રિકેટ કાઉન્સીલના ચીફ નકવીએ ટીમ ઈન્ડિયાને ટ્રોફી અન્ય મેમ્બરના હાથે અપાવવાના બદલે પોતાની સાથે લઈને નીકળી ગયા હતા. જે બાદ વિવાદ વધુ વકર્યો છે.