રાજકોટઃ ભાવનગર જિલ્લામાં આવેલા મહુવામાં સ્પર્મ વ્હેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસની તસ્કરીને પકડી પાડવામાં આવી છે. જોકે સ્પર્મ વ્હેલ માછલીની ઉલટીને એમ્બરગ્રીસ નામના પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. ભાવનગર જિલ્લામાં આ એમ્બરગ્રીસનો જથ્થો મળી આવ્યો હોવાની મહુવા પોલીસને જાણકારી મળતાં ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે એમ્બરગ્રીસ પદાર્થની સાથે બે શખસોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે 12 કિલોગ્રામ જેટલાં એમ્બરગ્રીસના જથ્થા સાથે જયદીપ શિયાળ અને રામજી શિયાળ નામના બંને વ્યક્તિને ઝડપી પાડીને ધરપકડ કરી હતી. માર્કેટમાં આ જથ્થાની કિંમત આશરે 12 કરોડ જેટલી છે. આ પદાર્થને વ્હેલની ઉલટી કહેવામાં આવે છે પરંતુ આ સાચું નથી. હકીકતમાં એમ્બરગ્રીસનો અર્થ ફ્રેન્ચમાં ‘ગ્રે અંબર’ થાય છે. તે મીણ જેવો એક પદાર્થ હોય છે જે સ્પર્મ વ્હેલના પાચનતંત્રમાં બને છે. સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ પદાર્થ વ્હેલના પાચનતંત્રમાં બનતો હોવાથી તેને ઉલટી કહેવામાં આવે છે. આ વિશે હજું પણ વિજ્ઞાન સંપૂર્ણ વિશ્વાસ સાથે નથી કહી શકતું કે એમ્બરગ્રીસ કેવી રીતે બને છે. એક સિદ્ધાંત કહે છે કે, વ્હેલ જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં સમુદ્રી જીવ ખાઈ લે છે અને તેનો આકાર મોટો હોય છે ત્યારે તેને પચાવવા માટે વ્હેલના આંતરડાઓમાં આ પદાર્થ બને છે.
વ્હેલ માછલીના શરીરમાંથી એમ્બરગ્રીસ બહાર કઈ રીતે નીકળે છે. તેની પણ અનેક રીતો હોય છે. ઘણી વખત તે ગુદા દ્વારા બહાર નીકળે છે અને તેનો રંગ મળ જેવો હોય છે. તેમાં મળની તીવ્ર ગંધ પણ હોય છે, જેમાં દરિયાની ગંધ પણ ભળેલી હોય છે. જ્યારે તે વ્હેલના શરીરમાંથી નીકળે છે, ત્યારે તેનો રંગ આછો પીળો હોય છે અને તે જાડી ચરબી જેવી હોય છે. જોકે સમયની સાથે તે ઘાટી લાલ રંગની અને ઘણી વખત કાળી અથવા રાખોડી રંગની પણ બની જાય છે. ત્યારે તેની ગંધ માટી જેવી થઈ જાય છે. ભારતમાં સ્પર્મ વ્હેલ એક સંરક્ષિત પ્રજાતિ છે અને તેનાથી બનનારા તમામ ઉત્પાદનોને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જોકે ભારતના તટીય રાજ્યો, ખાસ કરીને મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં તેનો વ્યાપાર વધ્યો છે.