
સુરતમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પડદાફાશ, 164 બેન્કોમાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન થયા
- વાહન ચેકિંગ દરમિયાન બે શખસો પાસેથી બેન્કોની પાસબુકો પકડાતા કૌભાંડ પકડાયુ,
- વિવિધ બેન્કોના 164 ખાતામાંથી RBL બેંકનાં 119 એકાઉન્ટ છે,
- સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પોલીસે કરી પૂછપરછ
સુરતઃ શહેરમાં પોલીસને બગાસુ ખાતાં પતાસુ મળ્યા જેવો ઘાટ થયો છે. પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે એક બાઈક પર બે યુવાનને જોતા તપાસ કરવામાં આવી હતી. પોલીસને જોઈ બન્ને યુવાનો ગભરાયેલા હોવાનું લાગતા તેની ઝડતી લેવામાં આવતા મોટી સંખ્યામાં બેન્કોની પાસબુકો મળી આવી હતી. અને તેની તપાસમાં સૌથી મોટા સાયબર ફ્રોડનો પડદાફાશ થયો છે. ઉધના પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના આ નેક્સસનો ખુલાસો કર્યો છે, જેમાં 2050 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન થયા છે. આ રેકેટમાં કુલ 164 કરંટ બેંક ખાતાઓનો ઉપયોગ થયો હતો, જેમાંથી 119 ખાતાઓ માત્ર RBL બેંકના હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે, જ્યારે એક મહિલા સહિત બે લોકો સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે. આ કેસમાં હાલ તો સુરતથી મુંબઈ સુધી બેંક અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે.
દેશભરમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જાય છે. ફ્રોડના રૂપિયા ઓનલાઈન બેન્કોમાં જમા થતા હોય છે. સાબર ફ્રોડમાં બેન્ક કર્મચારીઓની લાપરવાહી પણ જવાબદાર છે. બેન્કના કર્મચારીઓને તેના અધિકારીઓ દ્વારા વધુને વધુ એકાઉન્ટ ખોલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. એટલે પુરતી તપાસ કર્યા વિના બેન્ક એકાઉન્ટો ખોલવામાં આવતા હોય છે. સુરતમાં કરોડો રૂપિયાના સાયબર ફ્રોડનો પડદાફાશ થયો છે. શહેરના 164 બેંક ખાતાઓમાં ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવતા હતા. આ રકમ ગણતરીની મિનિટોમાં જ અન્ય બેંક ખાતાઓમાં મલ્ટીપલ ટ્રાન્ઝેક્શન દ્વારા ટ્રાન્સફર કરી દેવામાં આવતી હતી, જેથી પીડિત કશું વિચારે તે પહેલા જ પૈસા ગુમ થઈ જતા હતા. આ તમામ 164 બેંક ખાતાઓ સુરતના સ્થાનિક લોકો દ્વારા ખોલાવવામાં આવ્યા હતા.વસુંધરા ફર્મ નામની એક ઓફિસ ખોલીને આરોપીઓ કાપડ (ટેક્સટાઇલ) ફર્મના નામે અલગ-અલગ કરંટ બેંક ખાતાઓ ખોલાવતા હતા. એકવાર ખાતું ખુલી ગયા પછી, તેની વિગતો અને પાસવર્ડ ટેલિગ્રામ દ્વારા ક્યુબામાં બેઠેલા ‘રિચ પે’ નામના અજાણ્યા વ્યક્તિને મોકલી દેવામાં આવતા હતા. સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી રકમ આ ખાતાઓ દ્વારા ટ્રાન્ઝેક્ટ થતી હતી, અને ‘રિચ પે’ ખાતા દીઠ સુરતના આરોપીઓને USDT (ક્રિપ્ટોકરન્સી) માં કમિશન આપતો હતો.
સૂત્રોના કહેવા મુજબ 164 બેંક ખાતાઓમાંથી સૌથી વધુ ખાતાઓ RBL બેંકના હોવાથી સુરતમાં આવેલી RBL બેંકની ત્રણેય શાખાઓના મેનેજરના નિવેદનો ઉધના પોલીસે લીધા છે. આ ઉપરાંત RBL બેંકના મુંબઈ હેડક્વાર્ટરથી પણ પાંચ જેટલા અધિકારીઓને ઉધના પોલીસે બોલાવીને તેમના નિવેદનો નોંધ્યા છે. ભવિષ્યમાં આ અધિકારીઓની ભૂમિકા અને આ ષડયંત્રમાં તેમની સંડોવણી છે કે નહીં અંગે તપાસ કરવામાં આવશે.