
- સુરતના લસકાણાના ડાયમન્ડનગર પાસે BRTS કોરીડોરમાં બન્યો બનાવ,
- રાહદારીને અડફેટે લીધા બાદ બાઈકચાલક પણ રેલિંગ સાથે અથડાયો,
- પોલીસે સામસામે નોંધી ફરિયાદ
સુરતઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ લસકાણાના ડાયમંડનગર નજીક બીઆરટીએસના રૂટ પર બન્યો હતો. પૂરફાટ ઝડપે આવી રહેલા બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા ગંભીર ઈજા થતાં બાઈકચાલક અને રાહદારીનું મોત નિપજ્યું હતુ.
સુરત શહેરમાં અકસ્માતના આ બનાવની વિગતો એવી છે. કે, શહેરના લસકાણાના ડાયમંડ નગર પાસે આવેલા બીઆરટીએસ રૂટમાં બાઈક પૂરફાટ ઝડપે દોડી રહ્યું હતું દરમિયાન એક રાહદારી યુવક બીઆરટીએસની રેલિંગ કૂદી રોડ ક્રોસ કરતાં અડફેટે આવી ગયો હતો. જેથી રોડ ક્રોસ કરનારો યુવક અને બાઈકચાલક બંન્નેના ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યા હતા. જ્યારે બાઈક સવાર એક યુવકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આ ઘટનામાં સામ સામે ફરિયાદ લઈને સરથાણા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના ઉમરપાડાના બરડીપાડા ખાતે 19 વર્ષીય સાહિલ વસાવા પરિવાર સાથે રહેતો હતો. સાહિલ પસોદરા ખાતે સાડીના કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થતો હતો. સાહિલ વસાવા તેના મિત્ર સાહિલ સાથે બાઈક પર લસકાણાના ડાયમંડ નગર પાસે આવેલા બીઆરટીએસ રૂટમાંથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. દરમિયાન એક રાહદારી યુવક બીઆરટીએસની રેલિંગ કૂદી રોડ ક્રોસ કરતાં અડફેટે આવી ગયો હતો. મૃતક રાહદારી યુવક દિનેશ રાણા દેસાઈ હોવાનું જાણવા મળ્યુ છે. મૂળ બનાસકાંઠાનો 44 વર્ષીય રહેવાસી દિનેશ સુરતના ડાયમંડ નગર ખાતે પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને એક દીકરી છે. દિનેશ ડાયમંડ નગર ખાતે ચાની હોટલ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. દરમિયાન ગતરોજ રાત્રે દિનેશ બીઆરટીએસની રેલિંગ કુદીને રોડ ક્રોસ કરવા જતા અડફેટે આવી ગયો હતો. ગંભીર ઇજાના કારણે તેનું મોત નીપજ્યું હતું.
બાઈકસવાર મૃતક સાહિલ વસાવાના સંબંધી અવિનાશ વસાવાએ જણાવ્યું હતું કે, સાહિલ પાસોદરા ખાતે નોકરી પર આવ્યો હતો. સાંજે નોકરી પરથી પરત ઘરે ફરતા સમયે તબિયત થોડી વિક લાગતા મિત્ર સાથે મેડિકલમાં દવા લેવા માટે નીકળ્યો હતો. દરમિયાન લસકાણાના ડાયમંડ નગર પાસે બીઆરટીએસ રૂટમાં પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક જ એક રાહદારી આવી જતા અકસ્માત સર્જાયો હતો અને તે બંનેના મોત થયા હતા.