
- બાઈકચાલક હોટલ સંચાલકને કારએ અડફેટે લીધા
- બાઈકચાલકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોત
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી
મોરબીઃ જિલ્લામાં રોડ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ મોરબી-હળવદ હાઈવે પર સર્જાયો હતો. હાઈવે પર ઊંચી માંડલ ગામ નજીક આવેલી ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ કાલીયા (ઉ.વ.55)નું કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતુ. રાત્રે 10:30 વાગ્યે પ્રવીણભાઈ તેમની એક હોટલથી બીજી હોટલ તરફ બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે નેકસીયોન સિરામિક પાસે કાર નંબર GJ-36-AF-2206એ તેમના બાઇકને હડફેટે લીધું હતું.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, મોરબી-હળવદ હાઈવે પર પૂરફાટ ઝડપે કારે બાઈકને અડફેટે લેતા બાઈકસવારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ઊંચી માંડલ ગામ નજીક આવેલી ચામુંડા હોટલના સંચાલક પ્રવીણભાઈ કાલીયા (ઉ.વ.55)નું કાર અકસ્માતમાં મોત નિપજ્યું હતુ. અકસ્માતમાં પ્રવીણભાઈને માથા અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ બનાવમાં મૃતક પ્રવીણભાઈના પુત્ર વિપુલભાઈ કાલીયા (36)એ કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૂળ બોટાદના કાનીયાડ ગામના અને હાલ ઊંચી માંડલમાં રહેતા વિપુલભાઈની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે. આ કેસની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના PSI ડી.ડી.જોગેલા કરી રહ્યા છે.