સુરત, 9 જાન્યુઆરી 2026: શહેરના કતારગામ વિસ્તારમાં ફુલપાડા નજીક રોંગ સાઈડમાં પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલકને બચાવવા જતા સામે આવી રહેલા બાઈકચાલકે બ્રેક મારતા બાઈક રોડ પર સ્લીપ ખાતા બન્ને બાઈક સવારો રોડ પર પટકાયા હતા. આ સમયે પાછળ આવી રહેલી સિટી બસે અડફેટે લેતા 29 વર્ષીય બાઈકસવાર યુવાનનું મોત નિપજ્યું હતું.
શહેરના કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના બની છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઈક ચાલકના કારણે 29 વર્ષીય નિકુંજભાઈ સુભાષભાઈ સવાણી નામના હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે. ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા આ અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચડાતા યુવકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે.
આ બનાવની વિગત એવી છે કે, સુરતના ઉત્રાણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરિયામાં રહેતા 29 વર્ષીય નિકુંજ સુભાષભાઈ સવાણી વ્યવસાયે હીરાનું કારખાનું ધરાવતા હતા. આજે સવારે નિકુંજ સવાણી પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઈક પર સવાર થઈને શરીન મશીન રીપેરીંગના કામ અર્થે નીકળ્યા હતા. જ્યારે તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા ‘ખાટુંશ્યામ ડિઝાઇનર’ની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઈક ચાલક પૂરઝડપે રોંગ સાઈડમાં આવી રહ્યો હતો. ત્યારે તેને બચાવવા જતાં નિકુંજએ પોતાના બાઈક પરનું સંતુલન ગુમાવ્યું હતું. રસ્તો ભીનો હોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઈક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા. તે જ સમયે પાછળ પૂરઝડપે એક સિટી બસ આવી રહી હતી. બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલા જ બસનું ટાયર નિકુંજ પર ફરી વળ્યું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તુરંત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, બાઈકની પાછળ બેસેલા કેતનભાઈને સદનસીબે સામાન્ય ઈજાઓ પહોંચી છે.


