અમદાવાદ, 12 જાન્યુઆરી 2026: ગુજરાતભરમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ઉત્તર-પૂર્વ તરફથી ફુંકાતા ટાઢાબોળ પવનને લીધે તિવ્ર ઠંડી અનુભવાય રહી છે. ઠંડીને લીધે જનજીવન પ્રભાવિત બન્યું છે. કચ્છના નલિયા 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર નોંધાયું છે, જ્યારે અમરેલી, રાજકોટ અને ભુજ સહિતના 5 શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા ગાત્રો થીજવતી ઠંડીનો લોકોએ અનુભવ કર્યો છે.
રાજ્યના હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે, જોકે લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થવાની શક્યતા વચ્ચે પણ ઠંડા પવનોનો ચમકારો જારી રહેશે. બીજી તરફ, રાજ્યના સરહદ પર આવેલા રાજસ્થાનના હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં પારો માઈનસ-3 ડિગ્રીએ પહોંચતા વાહનોના કાચ પર બરફની ચાદર પથરાઈ છે, જેના કારણે હિલ સ્ટેશન પર ‘મિની કાશ્મીર’ જેવો નજારો જોવા મળી રહ્યો છે. આ આહલાદક હવામાનનો આનંદ માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.
ગુજરાતભરમાં હાલ ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાવાને કારણે 5 શહેરમાં તાપમાનનો પારો સિંગલ ડિજિટ એટલે કે એક આંકડામાં પહોંચી ગયો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે સિઝનનું સૌથી ઠંડુગાર શહેર નલિયા બની ગયું છે. જ્યાં સિઝનનું સૌથી નીચું 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 7.6, રાજકોટમાં 8.9 ડિગ્રી અને ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ગુજરાતના બનાસકાઠા જિલ્લાની સરહદ પર આવેલા હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન માઈનસ 3 ડિગ્રી નોંધાતા બર્ફિલો માહોલ સર્જાયો છે. અને માઉન્ટમાં ‘મિની કાશ્મીર’ જેવો અદભૂત માહોલ સર્જાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી પારો શૂન્યની નીચે રહ્યો હતો, જ્યાં માઈનસ 3 ડિગ્રી તાપમાનથી સમગ્ર હિલસ્ટેશન પર કાતિલ ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. વહેલી સવારે વાહનોના કાચ અને ખુલ્લા બગીચાઓમાં બરફની સફેદ ચાદર પથરાયેલી જોવા મળી છે. જેના કારણે પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. જોકે, આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે સ્થાનિકો અને પ્રવાસીઓ તાપણાનો સહારો લઈ રહ્યા છે.


