નવી દિલ્હીઃ ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે દેશના વિવિધ ભાગો માટે હવામાનની ચેતવણીઓ અને આગાહીઓ જાહેર કરી છે, જેમાં ઉત્તરીય અને દક્ષિણી રાજ્યોમાં વિપરીત પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. હવામાન વિભાગે આજે પશ્ચિમ અને પૂર્વ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને તેલંગાણામાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી છે. આ વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે લોકોએ વધુ ઠંડીનો સામનો કરવો પડી શકે છે.
આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, તેમજ તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ પ્રદેશોમાં હવામાનની સ્થિતિ પલટાઈ છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્રે લોકોને સાવચેત રહેવા અને જરૂરી સલામતીના પગલાં લેવા વિનંતી કરી છે.
દેશની રાજધાની દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) માં હવાની ગુણવત્તા (Air Quality) હજુ પણ ખૂબ જ ખરાબ શ્રેણીમાં યથાવત છે. આજે સવારે 7 વાગ્યે હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 400 નોંધવામાં આવ્યો હતો, જે ‘ગંભીર’ (Severe) શ્રેણીની નજીક છે. હવાની કથળતી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને, હવા ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) દ્વારા દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) નો ત્રીજો તબક્કો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યો છે. GRAP-III માં બાંધકામ પ્રવૃત્તિઓ અને બિન-જરૂરી સેવાઓ પરના કડક નિયંત્રણોનો સમાવેશ થાય છે.


