અમદાવાદ, 13 એપ્રિલ 2026: BJP workers are also not accepting attempts to remove discontent among them. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટની વહેચણી બાદ કાર્યકર્તાઓમાં ઠેર ઠેર અસંતોષની આગ ભભૂકી ઊઠી છે. શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આંતરિક વિખવાદ પક્ષના નેતાઓને દઝાડી રહ્યો છે. ભાજપને પ્રદેશ અને જિલ્લા આગેવાનોને દોડીને ઠેર ઠેર ડેમેજ કન્ટોલના પ્રયાસો શરૂ કર્યા છે. કાર્યકર્તાઓ માનતા નથી. વર્ષોથી પાયાના કાર્યકર્તાઓની અવગણના કરીને અન્ય ઉમેદવારોને ટિકિટ આપવાનું ભારે પડ્યુ છે. રાજકોટમાં તો પ્રદેશ અધ્યક્ષ વિશ્વકર્માએ દોડી જઈને મામલો સંભાળવો પડ્યો છે. જ્યારે સુરત, વડોદરા, મોરબી, કચ્છ અને અમદાવાદમાં પણ કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં સ્થાનિક અને લાંબા સમયથી પાર્ટી માટે કામ કરતા કાર્યકર્તાઓને ટિકિટ ન મળતા આંતરિક વિવાદ શરૂ થયો છે. અમદાવાદમાં પણ ભાજપમાં આંતરિક વિરોધ શરૂ થતાં પ્રદેશ અને શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરી રહ્યા છે. પણ સફળતા મળી નથી. જ્યારે સુરતમાં ભાજપ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરતાની સાથે જ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 10 (અડાજણ-પાલ)માં અસંતોષનો જવાળામુખી ફાટી નીકળ્યો છે. ઉમેદવારની પસંદગીમાં પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકો ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર ધસી ગયા હતા. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે, પોલીસનો કાફલો તૈનાત કરવો પડ્યો હતો. વિરોધ કરી રહેલા કાર્યકરો અને સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ માટે પરસેવો પાડનારા સ્થાનિક ઉમેદવારોને બાકાત રાખીને ‘બહારના’ અથવા અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે. જે ઉમેદવારને ટિકિટ મળી છે તેમને અમે છેલ્લા પાંચ વર્ષમાં ક્યારેય જોયા નથી. વોર્ડ નંબર 10માં વસ્તી ધરાવતા કોળી સમાજ અને કડવા પાટીદાર સમાજ સાથે ભાજપ અન્યાય કરતો હોવાનો આક્ષેપ કરાયો છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં વોર્ડ નંબર 10ના ભાજપના મહિલા ઉમેદવાર અવની સ્ટેમ્પવાળા વિરોધ પોસ્ટર વોર શરૂ થયો હતો. આ વિસ્તારમાં ઉમેદવાર યોગ્ય નથી તેવા પોસ્ટર લાગ્યા છે. ભાજપ દ્વારા શહેરમાં ટિકિટની વહેંચણી બાદ જૂના કાર્યકરોમાં નારાજગી પ્રવર્તી છે, જે સોશિયલ મીડિયા થકી બહાર આવી રહી છે.
અમદાવાદમાં 48 વોર્ડ છે, જેમાં ચાંદખેડા, ઇન્ડિયા કોલોની, સરદારનગર જેવા વોર્ડમાં સ્થાનિક નેતાઓ દ્વારા ખુલીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ગોતા, નારણપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નરોડા, સાબરમતી, વસ્ત્રાલ, અસારવા, શાહીબાગ, રાણીપ જેવા વિસ્તારોમાં કાર્યકર્તાઓ અને પૂર્વ હોદ્દેદારોમાં ક્યાંક ને ક્યાંક નાની-મોટી નારાજગી જોવા મળી રહી છે, પરંતુ તેનો ખુલ્લેઆમ વિરોધ કરવામાં આવતો નથી. ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો અત્યારે હાલમાં ખૂબ જ નારાજ છે. આ સ્થિતિ વચ્ચે શહેરના નેતાઓ અત્યારે ડેમેજ કંટ્રોલ માટે મહેનત કરી રહ્યા છે. ગોતા વોર્ડમાં સૌથી વધારે માલધારી સમાજના મતો છે, પરંતુ ભાજપ દ્વારા માલધારી સમાજના યુવા અથવા અનુભવીને ટિકિટ આપવાની જગ્યાએ ઓબીસી સમાજમાંથી બીજા જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપી છે, જેના કારણે થઈને માલધારી સમાજ અને નેતાઓને ભારે નારાજગી જોવા મળી રહી છે. આવી સ્થિતિ અન્ય શહેરોમાં પણ ઊભી થઈ છે. અને ભાજપના નેતાઓએ ડેમેજ કન્ટ્રોલ માટે કવાયત હાથ ધરી છે.


