- પેટ્રોલપંપના ફિવરમેને મહિલાને માબાઈલ પર વાતચિત ન કરવાનું કહ્યુ,
- મહિલા પેટ્રોલ પુરવીને નિકળ્યા બાદ પોતાના સાગરિતો સાથે પંપ પર આવી,
- ફિલરમેનને માર મારતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી
અમદાવાદઃ ઘણીવાર નાની એવી વાતમાં લોકો મારામારી પર ઉતરી આવતા હોય છે. શહેરના ડ્રાઈવઈન સિનેમા નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર બે મહિલા પોતાના સ્કુટરમાં પેટ્રોલ પુરાવવા માટે આવી હતી. તે દરમિયાન એક મહિલા ફોન પર વાત કરતી હતી. એટલે પેટ્રોલ પંપના ફિલરમેને ફોન પર વાત ન કરવાનું કહેતા માથાકૂટ થઈ હતી. દરમિયાન બન્ને મહિલા પેટ્રોલ પુરાવીને સ્કુટર લઈને જતી રહી હતી. ત્યારબાદ એક કલાક પછી મહિલા પોતાના સાગરિતો સાથે કારમાં આવી હતી, અને મહિલા સાથેના શખસોએ પેટ્રોલ પંપના ફિલરમેનને ઢોરમાર માર્યો હતો. આ અંગેની વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના કૂટેજ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.
દરેક પેટ્રોલપંપ પર ફોન પર વાત ન કરવા માટેની સૂચનાઓ દર્શાવેલી હોય છે, જેના કારણે પેટ્રોલ પુરાવવા આવતા લોકો ફોન પર વાત કરતા હોય તો પંપ પરના કર્મચારીઓ તેમનો ફોન પણ મુકાવી દેતા હોય છે. ત્યારે ફોન મુકાવવાની બાબતમાં પેટ્રોલ પંપના કર્મચારીને ઢોર માર માર્યો હોવાનો બનાવ બન્યો છે. અમદાવાદના ડ્રાઇવઇન સિનેમાની બાજુમાં આવેલી એ ડિવિઝન એસીપીની કચેરીની બાજુના પેટ્રોલ પંપ પર બે મહિલા પેટ્રોલ પુરાવવા આવી હતી. એક મહિલા ફોન પર વાત કરતી હોવાથી પંપના ફિલરમેને મહિલાને ફોન પર વાતચિત ન કરવાનું કહેતા ઉશ્કેરાયેલી મહિલાએ બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. બાદમાં કેટલાક શખ્સોને લઇ આવીને કર્મચારીને ઢોર માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. હાલ આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજસ્થાનની ઉદયપુરનો નિલેશ મારવાડી થલતેજ વિસ્તારમાં રહે છે અને ડ્રાઇવઇન સિનેમા પાસે આવેલા મહાદેવ પેટ્રોલિયમ નામના પંપ પર ફિલર તરીકે નોકરી કરે છે. ગત તા.1 સપ્ટેમ્બરના રોજ તે નોકરી પર હતો, ત્યારે સાંજે ટુ વ્હીલર લઇને બે મહિલા આવી હતી. ટુ વ્હીલર ચલાવનારી મહિલા ફોન પર વાત કરતી હોવાથી નિલેશે સેફ્ટી માટે તેમને ફોન પર વાત ન કરવા કહ્યુ હતું, જેને લઇને બંને મહિલાએ ઝઘડો કરીને ગાળાગાળી કરી હતી. બાદમાં બંને મહિલાઓ બાજુના પોઇન્ટ પર પેટ્રોલ પુરાવીને નીકળી ગઇ હતી. અને એક કલાક બાદ બે ગાડી લઇને બંને મહિલા ત્રણ સાગરિતો સાથે આવી હતી. આ તમામ લોકોએ નિલેશને માર મારીને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા. જેથી આ મામલે પોલીસને જાણ કરાતા વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી સીસીટીવી આધારે તપાસ હાથ ધરી છે.